શહેરની સૌથી જોખમી ઈમારતો સામે BMCની લાલ આંખ,રહેવાસીઓએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસામાં જર્જરીત ઈમારતો તૂટી પડવાનું જોખમ હોવાથી આવી Building જોખમી જાહેર કરીને તેને ખાલી કરવા માટે BMC તેમને નોટિસ આપતી હોય છે. જોકે શહેરની અનેક જર્જરીત બિલ્ડિંગના રહેવાસીઓ BMC દ્વારા બિલ્ડિંગ ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ સામે કોર્ટમાં ગયા છે. આ વર્ષે BMCએ પ્રિ-મોન્સૂન સર્વેમાં ૧૮૮ જર્જરીત ઈમારતોને જોખમી જાહેર કરી છે, તેમાંથી સૌથી વધુ પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૪૪ બિલ્િંડગ જોખમી હાલતમાં છે.
પ્રિ-મોન્સૂન સર્વેમાં ૧૮૮ જર્જરીત ઈમારતોને જોખમી જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાંથી માત્ર ૮૪ બિલ્ડિંગના રહેવાસીઓને જ બહાર કાઢવામાં BMC સફળ રહી છે. બાકીના ૪૧ બિલ્ડિંગના રહેવાસીઓને BMCપએ નોટિસ મોકલી છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે બિલ્ડિંગ તુરંત ખાલી કરવો અન્યથા કોઈ પણ દુર્ઘટના માટે તેઓ જ જવાબદાર રહેશે. છતાં તેઓ પોતાના ઘર ખાલી કરવા માટે તૈયાર નથી.
પાલિકાએ છેલ્લા બે વર્ષમાં ૪૯૩ બિલ્ડિંગ સી-વન શ્રેણી (રહેવા માટે સંપૂર્ણપણે અસુરક્ષિત)માં વર્ગીકૃત કરી છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી ૨૮૯ જોખમી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે. તાજેતરના સર્વેક્ષણમાં સૌથી વધુ જોખમી ઈમારત પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૪૪ છે, ત્યારબાદ પૂર્વ ઉપનગરમાં ૪૭ અને તળ મુંબઈમાં ૨૭ જોખમી ઈમારત છે. મળેલ માહિતી મુજબ મલાડમાં ૨૨, બોરીવલીમાં ૧૯, અંધેરી-પશ્ર્ચિમમાં ૧૬, બાંદ્રા વેસ્ટમાં ૧૫, અંધેરી -ઈસ્ટમાં ૧૫, ઘાટકોપરમાં ૧૩, મુલુંડમાં ૧૬ ઈમારત જોખમી છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા થોડા વર્ષોમાં જર્જરીત ઈમારતોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ જ જોખમી બિલ્િંડગના જે કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે, તેમાં યોગ્ય રીતે રજૂઆત કરવાનું લો-ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવામાં આવ્યું છે, જેથી કોર્ટમાંથી સ્ટે હટે તો આવી જર્જરીત ઈમારતો સામે સામે કાર્યવાહી કરી શકાય. હાલમાં ૪૧ બિલ્ડિંગ કે જેના પર કોર્ટના સ્ટે નથી, તેને ચોમાસાના આગમન પહેલા ખાલી કરાવવાની અમારી પ્રાથમિકતા છે.
આ દરમિયાન પાલિકાએ જર્જરીત ઈમારતના રહેવાસીઓને તાત્કાલિક ઈમારત ખાલી કરવાની અથવા ટેક્નિકલ નિષ્ણાતની સલાહ લેવા માટે અને તેમની ઈમારતને સુરક્ષિત બનાવવા માટે તુરંત પ્રોપ્સ ઈન્સ્ટોલ (લાકડા અથવા લોખંડથી માળખાને ટેકો આપવો) કરવા માટે અપીલ કરી છે. કટોકટીના સમયમાં રહેવાસીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ૧૯૧૬/૨૨૬૯૪૭૨૫/૨૨૬૯૪૭૨૭ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે.