આમચી મુંબઈ
પાલિકા મુખ્યાલયમાં શિંદેસેનાએ નકારેલી ઓફિસ કૉંગ્રેસને ગળે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં રાજકીય પક્ષોના નગરસેવકોને બેસવા માટે ઓફિસ આપવામાં આવે છે, જેમાં શિંદસેનાએ વાસ્તુદોષનું કારણ આપી જે ઓફિસ સ્વીકારવાનો નનૈયો ભણ્યો હતો તે જ ઓફિસનો કબજો કૉંગ્રેસે સોમવારે લીધો હતો.
પાલિકાના કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝમી સહિત નવનિર્વાચિત નગરસેવકોએ સોમવારે પાલિકાની જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી ઓફિસનો સ્વીકાર કર્યો હતો. એ બાદ તેમણે જણાવ્યું હતું કે આ ઓફિસમાં વાસ્તુદોષ હોવાનું કહીને શિંદેસેનાએ તેને નકારી કાઢી હતી.
વાસ્તુદોષ એ જેની-તેની ભાવનાનો સવાલ છે. કૉંગ્રેસ પક્ષ માટે સામાન્ય મુંબઈનું હિત મહત્ત્વનું છે. ઓફિસની દિશા મહત્ત્વની નથી પણ વિકાસની દિશા મહત્ત્વની હોવી જોઈએ. તેથી જ કૉંગ્રેસે હર્ષભેર આ ઓફિસનો સ્વીકાર કર્યો છે.



