ભાંડુપમાં નવો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ માટે ૧,૨૩૫ વૃક્ષો કાપવામાં આવશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ કૉમ્પ્લેક્સમાં નવો ૨,૦૦૦ મિલ્યન લિટર પ્રતિ દિનની ક્ષમતાનો નવો જળશુદ્ધીકરણ કેન્દ્ર (વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ) ઊભો કરવામાં આવી રહ્યો છે. મુંબઈની વધતી વસતી સામે પાણીની વધી રહી માગને પહોંચી વળવા માટે આ નવો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે. ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ ગણાય છે.
ભાંડુપ કૉમ્પ્લેક્સના આ નવા ફિલ્ટરેશન પ્લાન્ટના આ પ્રોજેક્ટ માટે ૧,૨૩૫ વૃક્ષોને કાપવામાં આવ્યા છે. સુધરાઈના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ આમાથી ૪૩૮ વૃક્ષો ભાંડુપ કૉમ્પ્લેક્સ પરિસરમાં ફરી વાવવામાં આવ્યા છે. બાકીના ૮૩૫ વૃક્ષોની ભરપાઈ કરવા માટે તાનસા તળાવ પરિસરમાં ૧,૪૪૩ નવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.
ભાંડુપ કૉમ્પ્લેક્સમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી પર પ્રક્રિયા કરીને તેને શુદ્ધ કરીને અહીંથી મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા ૨૭ રિર્ઝવિયરમાં પાણી જાય છે અને ત્યાંથી મુંબઈગરાના ઘરમાં નળ મારફત પાણીપુરવઠો કરવામાં આવે છે. ભાંડુપ ફિલ્ટરેશન પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ છે અને તેની પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા પ્રતિદિનની ૨,૮૧૦ મિલ્યન લિટરની છે.
હાલમાં ભાંડુપ કૉમ્પ્લેક્સમાં બે યુનિટ આવેલા છે, જેમાં પ્રતિદિન અનુક્રમે લગભગ ૧,૯૧૦ મિલ્યન લિટર અને ૯૦૦ મિલ્યન લિટર પાણી શુદ્ધ કરવામાં આવે છે. પાણીની વધતી માગણીને ધ્યાનમાં રાખીને ભાંડુપ કૉમ્પ્લેક્સમાં ૨,૦૦૦ મિલ્યન લિટર ક્ષમતા ધરાવતો એક નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે.
પાલિકાના પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નવા ફિલ્ટરેશન પ્લાન્ટને કારણે ૧,૨૩૫ વૃક્ષોને અસર થઈ છે, તેમાંથી ૪૩૮ વૃક્ષો ‘રૂટ બૉલ’ ટેક્નિકનો ઉપયોગ કરીને ફરીથી વાવવામાં આવ્યા હતા, જેમાં ઝાડના જીવિત રહેવાનો દર (સર્વાઈવલ રેટ) ૧૦૦ ટકા રહ્યો છે.
ફરીથી વાવવામાં આવેલા વૃક્ષોને નવી કળી, પાન અને ડાળખીઓ ફૂટી રહી છે. બાકીના અસરગ્રસ્ત ૮૩૫ ઝાડની ભરપાઈ તરીકે તાનસા બંધ પરિસરમાં લગબગ ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવવાનું છે. વધુ ૧,૪૪૩ ઝાડનું પણ વાવેતર કરવામાં આવવાનું છે.