ગ્રીન ફ્યુઅલ નહિ અપનાવે તો બેકરી બંધ કરવી પડશે,છેલ્લા છ મહિનામાં માત્ર ૪૬ બેકરીઓ ગ્રીન ફ્યુઅલ તરફ વળી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઍર પોલ્યુશન રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કોલસા અને લાકડાનો ઉપયોગ કરતી બેકરીઓને અન્ય ઈંધણ (ગ્રીન ફ્યુઅલ)નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં ૨૮ બેકરીઓ રૂપાંતરિત થવાની પ્રક્રિયામાં છે, જ્યારે ૩૧૧ બેકરીઓ પાલિકાના આ નિદેર્શને અમલમાં મૂકી શકી નથી. જો તેઓ ગ્રીન ફ્યુઅલના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેમને બેકરી બંધ કરવી પડશે.
મુંબઈમાં ૧,૦૬૨ લાઈસન્સ પ્રાપ્ત બેકરીઓ છે, જેમાંથી ૪૯૦ હાલ લગભગ બંધ અવસ્થામાં છે. તો ૫૭૨ ચાલી રહેલી બેકરીઓમાંથી ૨૩૩ બેકરીઓ પહેલાથી જ અન્ય ઈંધણનો ઉપયોગ કરી રહી છે. પાલિકાએ બાકીની ૩૫૩ બેકરીઓને નોટિસ ફટકારી છે, જે હજુ પણ કોલસો, લાકડું, ડીઝલ અથવા પેટ્રોલનો ઉપયોગ કરી રહી છે, જે પર્યાવરણ માટે હાનિકારક છે. આ પગલા બોમ્બે હાઈ કોર્ટના એર પોલ્યુશન ઘટાડવાના આદેશ અંતર્ગત લેવામાં આવ્યા છે. બેકરીઓને પીએનજી, સીએનજી અથવા ઈલેક્ટ્રિક વિકલ્પ અપનાવવા માટે આઠ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે, અન્યથા તેમને બેકરી બંધ કરવી પડશે.
છેલ્લા છ મહિનામાં ૪૬ બેકરીઓએ ગ્રીન ફ્યુઅલ ઉપયોગ કરવાનું ચાલુ કર્યું છે અને ૨૮ તેની પ્રક્રિયા હેઠળ છે. બાકીના ૩૧૧ બેકરીઓ પણ તેનું પાલન કરે તેની ખાતરી કરવા માટે એક્ઝિક્યુટીવ હેલ્થ ઓફિસરોને નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
કોલસા અને લાકડાનો ઉપયોગ કરતી બેકરીઓ વાયુ પ્રદૂષણ ફેલાવે છે. નવ જાન્યુઆરી, ૨૦૨૫ રોજ બોમ્બે હાઈ કોર્ટે મુંબઈમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકા અને મહારાષ્ટ્ર પોલ્યુશન બોર્ડની નિષ્ક્રિયતા દાખવવા બદલ ટીકા કરી હતી, એ બાદ પાલિકા એક્શન મોડમાં આવી હતી.