ગ્રીન ફ્યુઅલમાં રૂપાંતરિત થવામાં આનકાની કરનારી બેકરીઓને લાગશે તાળા: બીએમસી ની ચીમકી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઍર પોલ્યુશન રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ કોલસા અને લાકડાનો ઉપયોગ કરતી બેકરીઓને અન્ય ઈંધણ (ગ્રીન ફ્યુઅલ)નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ તેનો અમલ નહીં કરનારી બેકરીઓને હવે મુંબઈ મહાનગરપાલિકાએ કારણદર્શક નોટિસ ફટકારવાની તૈયારીમાં છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ ચેતવણી આપી હતી કે જો બેકરીના માલિકો આ ગ્રીન ફ્યુઅલને અમલમાં નહીં મૂકે તો તેમની બેકરીઓ બંધ કરાવા સહિતના અન્ય આકરા પગલાં તેમની સામે લેવામાં આવી શકે છે. પાલિકાના આંકડા મુજબ શહેરમાં હજી સુધી ૨૯૫ બેકરીઓએ ગ્રીન ફ્યુઅલમાં રૂપાંતર કર્યું નથી.
મુંબઈ હાઈ કોર્ટના નિર્દેશને અનુસરીને પાલિકાએ પાઈન નેચરલ ગેસ (પીએનજી), લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) અથવા ઈલેક્ટ્રિક ઓવન જેવા વિકલ્પોમાં રૂપાંતર કરવામાં બેકરીઓને મદદ કરવા માટે તેના પ્રયાસો વધી તીવ્ર બનાવ્યા છે. આ પહેલના ભાગરૂપે બેકરીઓના માલિકોને માર્ગદર્શન અને મદદ કરવા માટે સપ્ટેમ્બરમાં એક સમર્પિત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલિકાના પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ૧૬૦ બેકરીઓને ગ્રીન ફ્યુઅલમાં રૂપાંતરિત કરવા માટે ટેક્નિકલ રીતે શક્ય હોવાનું જણાયું છે. વર્કશોપ દરમ્યાન લગભગ ૭૬ બેકરીઓએ રૂપાંતર માટે અરજી કરી હતી પણ તેમાંથી કેટલા લોકો પોતાની બેકરીઓને ગ્રીન ફ્યુઅલમાં રૂપાંતર કરે છે તે આગામી દિવસમાં જણાશે.
આ દરમ્યાન ચોમાસાની વિદાય સાથે જ વાતાવરણમાં હવાની ગુણવત્તામાં ઘટાડો જણાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં એર ક્વોલિટી ઈન્ડેકમાં સતત વધારો જણાયો છે. આગામી દિવસમાં શિયાળામાં વાતાવરણમાં પ્રદૂષણમાં હજી વધારો થવાની શક્યતા છે. તેથી પાલિકાના પર્યાવરણ વિભાગે વાયુ પ્રદૂષણને રોકવા માટે પગલાં અમલમાં મૂકવાનું શરૂ કર્યું છે.
હાઈ કોર્ટે ગ્રીન ફ્યુઅલમાં રૂપાંતર કરવા માટે આઠ જુલાઈની અગાઉની સમયમર્યાદાને લંબાવવાનો ઈનકાર કર્યો છે. તેથી તેને અમલમાં મૂકવાનું ટાળનારી બેકરીઓ સામે કાર્યવાહી કરવાનો પાલિકાને અધિકાર છે. પ્રશાસન તરફથી સ્પષ્ટ સૂચનાઓ મળી છે બેકરીઓ નિર્દેશનો કડક રીતે અમલ કરે અન્યથા તેમની સામે આવશ્યક કાર્યવાહી કરવામાં આવે.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વાર નોટિસનો એક નવો રાઉન્ડ જારી કરવામાં આવશે, જેમાં બેકરી માલિકોને સ્વચ્છ ઈંધણના સ્રોતમાં રૂપાંતર કરવામાં તેમની નિષ્ફળતા બાબતે સમજાવવામાં આવશે. પાલિકાએ ઓક્ટોબર, ૨૦૨૪માં સૌ પ્રથમ કોલસા અને લાકડાથી ચાલતા ઓવનનો ઉપયોગ કરતી બેકરીઓને નોટિસ જારી કરી હતી, જેમાં ફરજિયાત ગ્રીન ઈંધણમાં રૂપાંતર કરવા માટે માર્ચ, ૨૦૨૫ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
ત્યારબાદ નવ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ હાઈ કોર્ટે તમામ બેકરીઓ માટે ગ્રીન ફ્યુઅલમાં રૂપાંતરિત થવા માટે આઠ જુલાઈની અંતિમ ડેડલાઈન નક્કી કરી આપી હતી. ૨૧ ઑગસ્ટના રોજ હાઈ કોર્ટ દ્વારા બેકર્સ એસોસિએશનની મુદત વધારવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.