ગરમીથી મુંબઈ અને માથેરાન સરખા તપ્યાઃ આગામી બે-ત્રણ દિવસ IMDની શું છે આગાહી?

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનનો પારો વધ્યો છે. ગયા અઠવાડિયે કમોસમી વરસાદ બાદ એક-બે દિવસ થોડો દિલાસો મળ્યો હતો, પરંતુ હવે સ્થિતિ ગંભીર બની છે. તાપમાનમાં વધારો રહેશે જ એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મુંબઈમાં ગરમીના પારાની સાથે બફારો વધી રહ્યો છે. આજે હિલ સ્ટેશન માથેરાન અને મુંબઈના તાપમાનમાં કોઇ ફરક ન હોવાનું નોંધાયું હતું.
મુંબઈ કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ અને માથેરાનમાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી નોંધાયું હતું. તેથી વેકેશનમાં હિલ સ્ટેશન જનારા મુંબઈગરાઓને કોઇ ફાયદો ન થતો હોવાનું જણાઇ રહ્યું છે. આ દરમિયાન અકોલામાં છેલ્લા બે દિવસથી ૪૩ ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે, જ્યારે સોમવારે ૪૩.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. સંપૂર્ણ વિદર્ભમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો: ગુજરાત અને રાજસ્થાનમાં ‘લૂ’ને લઈ ‘રેડ એલર્ટ’! દિલ્હી-હરિયાણામાં પડશે ભીષણ ગરમી
કોંકણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ એલર્ટ વધુ તીવ્ર બનશે ત્યારે નાશિક સહિત ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ ગરમીની લહેર ફરી વળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નાગપુરમાં તો હીટ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેના હેઠળ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેઘરોને શેલ્ટર હાઉસ અને અન્ય હોટ સ્પોટ પર નજર રાખવામાં આવી છે.
બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત તૈયાર થયું છે તે દક્ષિણ તરફ આગળ વધ્યો હોવાથી દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ અને મહારાષ્ટ્રમાં જોરદાર ગરમી પડવાના સંકેત છે. આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.