ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સોનાની દાણચોરીમાં પકડાયા

મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ અલગ અલગ ઑપરેશનમાં એક જ રાતમાં 3.67 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું. સોનાની દાણચોરી સાથે સંકળાયેલા ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કસ્ટમ્સના અધિકારીના જણાવ્યા મુજબ મહિલા સહિત ચાર જણની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં ત્રણ જણ ઍરપોર્ટ પરના અલગ અલગ સ્ટોરમાં કામ કરતા હતા. દાણચોરીથી લવાયેલું સોનું ઍરપોર્ટ બહાર કાઢવામાં આ કર્મચારીઓ રૅકેટ સાથે સંકળાયેલા સભ્યોને મદદ કરતા હતા, એવું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબ, 3 કરોડના હીરા ઝડપાયા
મળેલી માહિતીને આધારે ગુરુવારની રાતે અધિકારીઓએ ઍરપોર્ટ પર કામ કરતા પ્રદીપ પવારને તાબામાં લીધો હતો. શંકાને આધારે તપાસ કરવામાં આવતાં તેની પૅન્ટમાં સંતાડેલાં ગૉલ્ડ ડસ્ટનાં પાઉચ મળી આવ્યાં હતાં. આ પાઉચ તેને એક પ્રવાસીઓએ આપ્યાં હોવાનું પવારે પૂછપરછમાં જણાવ્યું હતું.
પવાર આ પાઉચ મોહમ્મદ ઈમરાન નાગોરીને આપવાનો હતો. અધિકારીઓએ નાગોરીને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે મહિલા અંશુ ગુપ્તાનું નામ આપ્યું હતું. ઍરપોર્ટ પર કામ કરતી ગુપ્તાને પણ પ્રવાસીઓએ ગૉલ્ડ ડસ્ટનાં ચાર પાઉચ આપ્યાં હતાં. ઍરપોર્ટ પરની રેસ્ટોરાંની કર્મચારી અંશુ ગુપ્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી. કમિશનની લાલચે તે આ કામ કરતી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)