આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર રૂ. 20 કરોડનું લિક્વિડ કોકેઇન જપ્ત: વિદેશી મહિલાની ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે રૂ. 20 કરોડની કિંમતનું કોકેઇન જપ્ત કરી કેન્યાની મહિલાની ધરપકડ કરી હતી. કોકેઇન શેમ્પૂ અને લોશનની બોટલમાં પ્રવાહી સ્વરૂપે હતું.

ડીઆરઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની દાણચોરીની આ નવી મોડસ ઓપરેન્ડી છે. લિક્વિડ કોકેઇન આ બોટલોમાં સામાન્ય શેમ્પુ-લોશન જેવું જ હોય છે, જેને કારણે તેને શોધવામાં મુશ્કેલી પડે છે.

કેન્યાના નૈરોબીથી મહિલા પ્રવાસી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી હતી અને ડીઆરઆઈની ટીમે ચોક્કસ માહિતીને આધારે તેને આંતરી હતી. શેમ્પુ અને લોશનની બોટલોમાંથી 1,983 ગ્રામ લિક્વિડ જપ્ત કરવામાં આવ્યું હતું, જેના પર કરાયેલા ટેસ્ટમાં તે કોકેઇન હોવાનું જણાયું હતું અને તેની કિંમત રૂ. 20 કરોડ થાય છે.

મહિલા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી. મહિલાને બાદમાં સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવી હતી, જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

દરમિયાન મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ગુરુવારે સાકીનાકામાં શંકાને આધારે કારને આંતરી હતી અને ચાલકને તાબામાં લીધો હતો. પોલીસ ટીમે કારની તલાશી લેતાં ડિક્કીમાં છુપાવવામાં આવેલો 47 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને કાર જપ્ત કરીને ચાલકની ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button