મુંબઈ એરપોર્ટ પર આઠ કરોડનો ગાંજો પકડાયો:સુરતના બે રહેવાસી સહિત ત્રણ જણની ધરપકડ…

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ) દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે આઠ કરોડ રૂપિયાથી વધુની કિમતનો ગાંજો પકડી પાડ્યો હતો. આ પ્રકરણે સુરતના હીરાદલાલ અને ગાર્મેન્ટના વેપારી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ત્રણેયની ઓળખ સુરતના સિંગણાપોર ખાતેની સોસાયટીમાં રહેતા બિપિનકુમાર કાંતિલાલ પટેલ, બોમ્બે માર્કેટ, યોગી ચોક સ્થિત સોસાયટીમાં રહેતા નીલેશભાઇ બાબુભાઇ રાઠોડ અને મીરા રોડના રહેવાસી સલમાન શેખ તરીકે થઇ હતી. ત્રણેયના વકીલ આશિષ સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી. કોર્ટે ત્રણેયને બાદમાં જુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
બિપિનકુમાર અને નીલેશભાઇ 24 માર્ચે ફલાઇટમાં બેંગકોકથી મુંબઈ આવ્યા હતા. એરપોર્ટ પર તેમના સામાનન તલાશી લેવામાં આવી હતી. બિપિનકુમારની ટ્રોલી બેગમાં ફૂડ પેકેટ્સ નીચે રાખેલા કપડાંની અંદર પારદર્શક એરટાઇટ પેકેટોમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. બિપિનકુમારનો ગાર્મેન્ટનો વ્યવસાય છે, જ્યારે નીલેશભાઇ હીરાદલાલ છે.
બંને જણ 20 માર્ચે મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોક ગયા હતા. વાપીના પલસાણાના અતુલભાઇએ તેમને આ કામ સોંપ્યું હતું. બેંગકોકમાં અતુલભાઇના એજન્ટે બિપિનકુમારને ડ્રગ્સ સોંપ્યું હતું અને નીલેશભાઇને પ્રવાસ દરમિયાન બિપિનકુમારના પર નજર રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : શાળામાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીની મારપીટ: શિક્ષિકા સામે ગુનો
દરમિયાન 25 માર્ચે બેંગકોકથી આવેલા સલમાન શેખની ટ્રોલી બેગમાંથી 10 પારદર્શક પેકેટ્સ મળ્યા હતા, જેમાંથી 4.98 કરોડનો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. મીરા રોડમાં રહેતા સલમાન શેખની પૂછપરછમાં અમુક નામ સામે આવ્યાં હતાં.