મુંબઈ એરપોર્ટ પર 53 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, હીરા-દાગીના પકડાયાં…

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે 13થી 20 નવેમ્બર દરમિયાન ડ્રગ્સ અને હીરા-સોનાની દાણચોરીના 16 કેસ પકડી પાડ્યા હતા, જેમાં 16થી વધુ પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગે 53 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, સોનુ અને હીરા જપ્ત કર્યાં હતાં.
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ વિશ્ર્વસનીય માહિતીને આધારે સાત કેસમાં 25.31 કરોડનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કર્યો હતો અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) એક્ટ, 1985ની જોગવાઇઓ હેઠળ સાત પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બીજા સાત કેસમાં આઠ પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 26.98 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓએ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું, તે કોને પહોંચાડવાના હતા, તેમની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે વિશે તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન ઉપરોક્ત સમયગાળામાં સોનાની દાણચોરીના ચાર કેસમાં 65.57 લાખ રૂપિયાનું 24 કેરેટ સોનું પ્રવાસીઓ પાસેથી જપ્ત કરાયું હતું. અન્ય એક કેસમાં શરીરમાં હીરા છુપાવીને લાવનારા પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 54.13 લાખના નેચરલ ડાયમંડ્સ અને લેબગ્રોન ડાયમંડ્સ જપ્ત કરાયા હતા.



