મુંબઈગરા જરૂર હોય તો જ ઘરથી બહાર નીકળજો, જાણો કોણે આપી એવી ચેતવણી…

મુંબઈઃ સ્વિસ એર મોનિટર IQAirના નિષ્કર્ષ અનુસાર સોમવારે દિલ્હી, મુંબઈ અને કોલકત્તાનો સમાવેશ દુનિયાના સૌથી પ્રદૂષિત દસ શહેરોમાં કરવામાં આવતો હતો. પૃથ્વીના સૌથી વધુ પ્રદૂષિત શહેરની યાદીમાં દિલ્હી ચોથા, મુંબઈ સાતમા અને કોલકતા દસમા નંબરે આવે છે. એમાં પણ સોમવારે મુંબઈની હવા સતત ત્રણ દિવસ કરતાં પણ વધુ સમયથી પ્રદૂષિત રહી હોવાની માહિતી સામે આવી રહી છે.
નિષ્ણાતો દ્વારા હવાની આ ગુણવત્તા સુધરે એવા કોઈ આસાર નથી, પરંતુ તેમ છતાં બીમાર અને ઈમ્યુનિટી નબળી હોય એવા લોકોને આ પ્રદૂષિત હવાને કારણે તબિયતમાં મુશ્કેલી પડી રહી છે. મુંબઈગરાએ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવું અને વધારે પડતું શ્રમ લેવાનું ટાળવું જોઈએ. જો ઘરની બહાર જવું જ પડે એમ હોય તો માસ્ક પહેરવાની કે ઘરમાં એર પ્યુરીફાયર ચલાવવાની સલાહ પણ આપવામાં આવી છે.
બાંદ્રા વિભાગના ખેરવાડી, બીકેસી સિવાય ચેમ્બુર અને વરલી ખાતે હવાની ગુણવત્તા સૌથી નબળી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે સોમવારે સાંજે સવાચાર વાગ્યાની આસપાસ મુંબઈની પીએમ10 મર્યાદા 211.4 યુજી/એમથ્રી (માપનનું પ્રમાણ) હતું.
મુંબઈ શહેરનું પીએમ 2.4 ક્ષમતા દર 62 યુજી/એમ3 છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળે આપેલા નિર્દેશના નિર્ધારિત પ્રમાણ કરતાં 60 ગણી વધુ. પીએમ 2.5 અને પએમ 10 આ શબ્દ અલગ અલગ પ્રકારના વાયુજન્ય કણો માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને એને કારણે હવાની ગુણવત્તા પર તેમ જ માનવીય આરોગ્ય પર પણ વિપરીત અસર જોવા મળે છે.
શિયાળો શરૂ થવાને હજી વાર હોવા છતાં ચેમ્બુર, અંધેરી, નવી મુંબઈ, બીકેસી, મલાડ અને માઝગાવ જેવા વિસ્તારમાં પહેલાંથી જ હવાની ગુણવત્તા મધ્યમથી ખરાબ હોવાનું હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું.
આંતર રાષ્ટ્રીય લેવલ પર વાત કરીએ તો લાહોર અને બીજિંગ એ સૌથી વધુ પ્રદૂષિત શહેરમાં ટોપ ફાઈવમાં પોતાનું સ્થાન રાખ્યું હતું. આ સિવાય આ યાદીમાં ઢાકા, વુહાન, જાકાર્તા અને કરાચીનો પણ સમાવેશ થય છે.