સાવધાન:મુંબઈની હવા ફરી બગડી: એક્યુઆઈ ૧૦૦ને પાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસાની વિદાયની સાથે જ વાતાવરણમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી એર ક્વોલિટી ઈન્ડેકમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવાની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે નૈર્ઋત્યાના ચોમાસાની સત્તાવાર વિદાય સાથે જ તે જ દિવાળીનો તહેવાર નજીક હોવાથી આગામી દિવસમાં હવાની ગુણવત્તામાં હજી ઘટાડો થવાની ભારોભાર શક્યતા છે.
ચોમાસાના ચાર મહિના દરમ્યાન મુંબઈમાં જૂન અને સપ્ટેમ્બર દરમ્યાન હવાની ગુણવત્તા સારી શ્રેણીમાં રહી હતી. ગયા અઠવાડિયામાં ચાર ઑક્ટોબર સુધી શહેરની એકંદરે હવાની ગુણવત્તા ૫૦ની આસપાસ રહી હતી. જોકે છેલ્લા અઠવાડિયાથી મુંબઈમાંથી વરસાદ ગેરહાજરીને કારણે હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સાંજે મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૧૦૦ને વટાવી ગયો હતો. તો શુક્રવારે સાંજના સરેરાશ એક્યુઆઈ ૧૩૦ની આસપાસ નોંધાયો હતો.
નિષ્ણાતોના કહવા મુજબ આગામી મહિનામાં શિયાળાને કારણે હવાની ગુણવત્તામાં હજી ઘટાડો થવાની શક્યતા છે. તો આવતા અઠવાડિયાથી દિવાળી શરૂ થઈ રહી હોવાથી ફટાકડાને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની શકયતા છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલા આંકડા મુજબ શનિવાર સુધી એક્યુઆઈ ૪૯ રહ્યો હતો પણ રવિવારે તે ૬૧ સુધી પહોંચી ગયો હતો.
બુધવાર સુધીમાં વધીને ૭૧ અને ગુરુવારે સાંજે ૧૦૫ સુધી પહોંચી ગયો હતો. શુક્રવારે સાંજના ૧૩૦ની આસપાસ નોંધાયો હતો. હાલ ૨૭ એર મોનિટરિંગ સ્ટેશન છે, તેમાંથી ઓછામાં ઓછા નવમાં એક્યુઆઈ ૧૦૦થી વધુ નોંધાયો હતો.
શુક્રવારે સૌથી ઊંચો એક્યુઆઈ સાયનમાં ૨૨૬ નોંધાયો હતો. એ બાદ કુર્લામાં ૧૨૬, સાંતાક્રુઝ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ વિસ્તારમાં ૯૮, પવઈમાં ૧૧૨, વિલેપાર્લેમાં ૮૨ બોરીવલીમાં ૭૩, વરલીમાં ૧૧૭, કોલાબામાં ૧૧૧, બીકેસી ૧૪૫, મઝગાંવ ૧૫૪, દેવનાર ૧૭૩, મલાડ ૧૫૩ , ઘાટકોપરમાં ૧૪૪ જેટલો એક્યુઆઈ નોંધાયો હતો.