મુંબઈમાં સવારના એક્યુઆઈ ૨૦૦ને પાર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં સવારના એક્યુઆઈ ૨૦૦ને પાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં દિવાળીની ઊજવણી નિમિત્તે ફૂટેલા ફટાકડાને કારણે મુંબઈમાં વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે વધી ગયું હતું. મંગળવારે સવારના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૨૦૦ને પાર કરી ગયો હતો. બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં સૌથી વધુ માત્રામાં પ્રદૂષણ રહ્યું હતું. સવારના અહીં એક્યુઆઈ ૩૭૫ જેટલો ઊંચો નોંધાયો હતો.

જોકે મુંબઈમાં સાંજ બાદ પડેલા વરસાદના ઝાપટાંને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને પ્રદૂષણના કણ જમીન પર બેસી જતા મુંબઈનો સરેરાશ એક્યુઆઈ સાંજના ૭.૩૦ વાગે ૧૪૭ નોંધાયો હતો અને મોડી રાત બાદ ફરી હવાની ગુણવત્તા ઘસરી હતી.

દિવાળીના તહેવારમાં મુંબઈની હવાની ગુણવત્તા ઘસરી ગઈ છે. મંગળવારે સવારના મુંબઈમાં ગાઢ ધુમ્મસિયુ વાતાવરણ રહ્યું હતું અને વિઝિબિલીટી પણ એકદમ ઘટી ગઈ હતી. મંગળવારના સવારના સરેરાશ એક્યુઆઈ ૨૦૦ને પાર ગયો હતો, જે ચોમાસાની વિદાય બાદ મુંબઈમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તા હતી.

આપણ વાંચો: દિવાળીના ફટાકડાને કારણે વાતાવરણમાં ઝેરી ધાતુના રજકણ ફેલાયા: એનજીઓએ સરકારને દોષી ઠેરવી…

મુંબઈમાં ૧૦ ઑક્ટોબર બાદથી હવાની ગુણવત્તામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી એક્યુઆઈ ૧૦૦થી ૨૦૦ની વચ્ચે રહ્યો છે. જોકે મંગળરે સવારના તે ૨૦૦ને પાર કરી ગયો હતો. સોમવારે મુંબઈમાં દિવાળી નિમિત્તે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડાના પ્રદૂષણની સાથે જ શિયાળામાં પવનો ધીમા ફૂંકાતા હોવાથી રજકણો વાતાવરણમાં જ સ્થિર રહેતા હોય છે અને તેને કારણે પ્રદૂષણના સ્તરમાં વધારો થતો હોય છે.

જોકે મુંબઈમાં મંગળવારે સાંજના વાદળિયા વાતાવરણની સાથે જ પવન ફૂંકાયો હતો અને છ વાગ્યા બાદ મુંબઈના અનેક વિસ્તારમાં જોશભેર પવન ફૂંકાવાની સાથે જ વરસાદના ઝાપટાં પડયા હતા, તેને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને પ્રદૂષણ વરસાદના પાણી સાથે જમીન પર આવી જતા સાંજના થોડા સમય માટે વાતાવરણ ચોખ્ખુ થયું હતું. સાંજના ૭.૩૦ વાગે મુંબઈનો સરેરાશ એકયુઆઈ સવારની સરખામણીમાં ઘટીને ૧૪૭ સુધી થઈ ગયો હતો.

આપણ વાંચો: દિવાળીમાં મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હવાની ગુણવત્તા કથળી

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ મંગળવારે મુંબઈમાં સવારના સમયમાં હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો નોંધાયો હતો. સવારના ત્રણ વિસ્તારોમાં એક્યુઆઈ ૩૦૦ને પાર કરી ગયો હતા, જેમાં બીકેસીમાં એક્યુઆઈ લગભગ ૪૦૦ની નજીક પહોંચી ગયો હતો. સવારના સમયમાં અહીં ૩૭૫ જેટલો ઊંચો એક્યુઆઈ નોંધાયો હતો. એ બાદ કોલાબામાં ૩૪૬ તો મઝગાંવમાં ૩૦૯ એક્યુઆઈ નોંધાયો હતો.

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા મુજબ સવારના ૨૮ મોનિટરિંગ સ્ટેશનમાંથી ૧૦ જગ્યાએ એક્યુઆઈ ૨૦૦થી વધુ રહ્યો હતો, જેમાં સૌથી વધુ ખરાબ મલાડ પશ્ર્ચિમમાં ૨૮૧, દેવનારમાં ૨૭૬, વરલીમાં ૨૭૦ અને ભાયખલામાં ૨૬૬ એક્યુઆઈ નોંધાયો હતો. શહેરના અન્ય તમામ સ્ટેશનમાં ૧૦૦થી ૨૦૦ની વચ્ચે એક્યુઆઈ નોંધાયો હતો. સાંજના હળવા વરસાદ બાદ મુંબઈના પ્રદૂષણમાં હળવો ઘટાડો નોંધાયો હતો.

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ ૦-૫૦ના એક્યુઆઈ રીડિંગ સારું, ૫૧-૧૦૦ને સંતોષકારક, ૧૦૧-૨૦૦ને મદ્યમ, ૨૦૧-૩૦૦ને ખરાબ, ૩૦૧-૪૦૦ને ખૂબ જ ખરાબ અને ૪૦૦થી વધુને ગંભીર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button