મુંબઈ હાઇ કોર્ટે પ્રદૂષણ ફેલાવતા પ્રોજેક્ટ સામે કરી લાલ આંખ અને કહ્યું કે
મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટે 11 ડિસેમ્બરના રોજ કેટલાક અહેવાલોની નોંધ લેતા જણાવ્યું હતું કે મુંબઈમાં સાત જાહેર પ્રોજેક્ટ્સ શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવે છે. હાઈ કોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સંયુક્ત રીતે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કાનૂની સહાયતા માટે નિયુક્ત વરિષ્ઠ વકીલ દરાયસ ખંબાતાએ પ્રોજેક્ટ્સને કારણે હવાની ગુણવત્તા બગડવાના અહેવાલો તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જેની નોંધ લેતા કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે આ સાતેય પ્રોજેક્ટ સાઈટ દ્વારા ખુલ્લામાં બાંધકામના સામાનના કચરાના ઢગલા કરવામાં આવ્યા હતા. જેના કારણે બાંદ્રામાં રોડ કોંક્રીટિંગ, મેટ્રો, બુલેટ, સાગરી કિનારા માર્ગ, ટ્રાન્સ હાર્બર, વર્સોવા-બાંદ્રા સાગરી સેતુ અને મધુપાર્ક માર્ગના પ્રોજેક્ટ્સ ચલાનવારા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.
નિષ્ણાતોની બનેલી સમિતિ દ્વારા 2021 માં સુપરત કરાયેલ અહેવાલમાં ટ્રાફિક સંબંધિત પ્રદૂષણ ઘટાડવા ભલામણો કરવામાં આવી હતી. જોકે કોર્ટે નોંધ્યું હતું કે સરકારે આ અંગે કોઈ પગલાં લીધા નથી. કોર્ટે આ અંગે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે.
નોંધનીય છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના ધોરણો મુજબ મુંબઈમાં હવાની ગુણવત્તા માપવા માટે 104 સાધનોની જરૂર છે. પરંતુ CPBC પાસે ફક્ત 29 ઉપકરણો જ છે. વાયુ પ્રદૂષણને કારણે મુંબઈવાસીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેથી હાઇ કોર્ટે રાજ્ય સરકારને પ્રદૂષણના મુદ્દાને ગંભીરતાથી લેવા અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય અધિનિયમના આધાર પર કાયદો ઘડવાની સલાહ આપી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે પ્રદૂષણને કારણે શ્વસન અને હૃદયની સમસ્યાઓ વધે છે. આથી હવાની ગુણવત્તા સુધારવા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. તેમજ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કાયમી ઉકેલ માટે સર્વગ્રાહી યોજના તૈયાર કરવી જરૂરી છે.