આનંદોઃ મુંબઈ-અમદાવાદ વચ્ચેના કોરિડોરમાં દોડાવાશે ‘આ’ ટ્રેન, ટ્રાયલ શરુ
મુંબઈઃ દેશના સૌથી વ્યસ્ત કોરિડોરમાં મુંબઈ-અમદાવાદ રુટ અગ્ર ક્રમે છે, જેમાં અત્યાર સુધીમાં તમામ પ્રીમિયમ ટ્રેનો ચાલુ કરવામાં આવ્યા પછી આગામી દિવસોમાં આ કોરિડોરમાં કલાકના 130 કિલોમીટરની ઝડપથી વંદે જનરલ ટ્રેન દોડાવાય એના માટે તૈયારીઓ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વંદે જનરલ ટ્રેનને અગાઉ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત મુંબઈ અમદાવાદ રુટ માટે પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં આ રુટમાં ટેક્નિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ પહોંચવામાં લગભગ 6.30 કલાકનો સમય લાગ્યો હતો, જેમાં આજે પણ ટ્રાયલ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદની વચ્ચે આ ટ્રેન કલાકના 130 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે, જ્યારે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારના 6.40 વાગ્યે ઉપડશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
વંદે જનરલ ટ્રેનમાં કુલ 22 કોચ હશે, જ્યારે 22 કોચમાંથી 12 કોચ સ્લીપરના હશે. આ ઉપરાંત, આઠ કોચ સેકન્ડ ક્લાસ અને બે કોચ લગેજના હશે. આ ટ્રેનને પુશ એન્ડ પુલ ટેક્નોલોજી પર દોડાવાશે, જેથી હાઈ સ્પીડથી દોડાવી શકાય.
હાલના તબક્કે એટલું કહી શકાય કે આ ટ્રેનની સ્પીડ કલાકના 130 કિલોમીટરની જડપની હશે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ કલાકના 160 કિલોમીટરની ઝડપે દોડાવાય છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે આ વંદે જનરલ ટ્રેન દોડાવવાની રેલવે મંત્રાલયે જુલાઈમાં જાહેરાત કરી હતી. આ ટ્રેનને વંદે ભારત એક્સપ્રેસના જેવી બનાવવામાં આવશે. આ નોન-એસી ટ્રેન હશે, જ્યારે તેનું ભાડું પણ વંદે ભારત એક્સપ્રેસ કરતા પણ સસ્તું હશે, તેથી તેનું નામ પણ વંદ જનરલ ટ્રેન કહેવાય છે.