Good News: Western Railway પર પ્રવાસીઓને મળશે સાફ-સુથરા ટોઈલેટ્સ, રેલવેએ હાથ ધરી કવાયત…

મુંબઈઃ મુંબઈના રેલવે સ્ટેશનો પર ગંદા શૌચાલયો એ ખૂબ જ સામાન્ય બાબત છે અને એમાં પણ સબર્બન સ્ટેશન પર લોકોની ભીડ જોતા તો આ શૌચાલયોમાં સાફ-સફાઈ રાખવી એ ખૂબ જ અઘરું કામ છે. આવી પરિસ્થિતિમાં પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે પશ્ચિમ રેલવે દ્વારા ચર્ચગેટથી લઈને દહાણુ સુધી ટોઈલેટ્સની સ્થિતિનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સર્વે દરમિયાન ટૂટેલી ટાઈલ્સ, ગાયબ થયેલાં નળ, ગળતર થઈ રહેલાં પાઈપ, ટૂટેલી ટોઈલેટ સીટ્સ, દાગ-ધબ્બાવાળા ગંદા વોશ બેસિન અને બીજી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવશે.
રેલવે સ્ટેશન પરના નિઃશુલ્ક શૌચાલયો અંગે મળેલી ફરિયાદ બાદ રેલવેએ કેટલાક સ્ટેશન પર પે એન્ડ યુઝ ટોઈલેટની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી. પરંતુ આ શૌચાલયોની હાલત પણ ખાસ કંઈ સારી ન હોવાની ફરિયાદ મળી રહી છે. મુંબઈ ડિવિઝનમાં કુલ 59 ટોઈલેટ બ્લોક છે અને એમાંથી 43 પે એન્ડ યુઝ મોડેલ અંતર્ગત આવે છે. પશ્ચિમ રેલવેએ 2024માં સાત પે એન્ડ યુઝ ટોઈલેટના કોન્ટ્રાક્ટરને ટર્મિનેટ કરી દીધા હતા. આ કોન્ટ્રાક્ટ અંગે ઓવરચાર્જિંગની ફરિયાદ મળતાં કોન્ટ્રાક્ટરની 11.50 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી હતી.
Also read: હવે મુંબઈથી મહાકાલેશ્વર જવાનું બનશે સરળ, રેલવેએ મંજૂર કર્યો સૌથી ટૂંકા માગર્નો પ્રોજેક્ટ…
પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર પંકજ સિંહે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે લોકોએ મુંબઈ ડિવીઝનના તમામ રેલવે પરિસરના ટોઈલેટનું સર્વે શરૂ કર્યું છે અને નાનામાં નાની બાબતની પણ નોંધ લેવામાં આવશે. જે સ્ટેશન પર પે એન્ડ યુઝ ટોઈલેટની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર હેઠળ છે તેમને ગંદા ટોઈલેટ માટે જવાબદાર ઠેરવવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ સ્વચ્છતા જળવાઈ રહે એ માટેના વિવિધ વિકલ્પો પર વિચારણા કરાઈ રહી છે.
ગ્રાઉન્ડ ચેકિંગ સિવાય રેલવેની સ્પેશિયલ ટીમ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને વીડિયો કોલના માધ્યમથી વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ વીડિયો કોલનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. આ દરમિયાન કોન્ટ્રાક્ટને સ્ટેશન પરિસર, પ્લેટફોર્મ, ફૂટઓવર બ્રિજ, રેલવે ટ્રેક અને સર્ક્યુલેટિંગ એરિયા દેખાડવાનું જણાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેના ટોઈલેટ્સની સ્થિતિ |
---|
મુંબઈ ડિવિઝન પર આવેલા કુલ રેલવે સ્ટેશન- 70 |
ચર્ચગેટ-દહાણુ રૂટ પર આવેલા સ્ટેશન- 37 |
મુંબઈ ડિવિઝમાં આવેલા કુલ બ્લોક- 59 |
પે એન્ડ યુજ ટોઈલેટની સંખ્યા- 43 |
2024માં કોન્ટ્રાકટરને ફટકારવામાં આવેલો દંડ- રૂ. 21,56,857 |