મુલુંડમાં ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની ઉચાપત: વસંત મજેઠિયાની ધરપકડ
મુંબઈ: મુલુંડના શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવાના કેસમાં મુલુંડ પોલીસે વસંત મજેઠિયાની ધરપકડ કરી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર
કાંતિલાલ કોથિંબિરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે છેતરપિંડીના કેસમાં વસંત મજેઠિયા સહિત બે જણની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. બન્નેને બુધવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને એક દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પ્રકરણે ટ્રસ્ટના સભ્ય મનોજ કોટકે નોંધાવેલી ફરિયાદને આધારે મુલુંડ પોલીસે ૩૦ ડિસેમ્બરે વસંતભાઈ મજેઠિયા સહિત પ્રદીપ સોઢા અને વિક્રમ લાખાણી સામે એફઆઈઆર નોંધ્યો હતો. ફરિયાદ અનુસાર મુલુંડમાં ટ્રસ્ટની ચાર ઈમારત હોઈ તેમાં ૧૧૦ ઘર અને ૨૧ દુકાન ભાડા પર આપવામાં આવી છે. ૨૦૧૦માં થયેલી એક મીટિંગ અને તે સમયના હસ્તાક્ષરોનો આધાર લઈને નવો ચેન્જ રિપોર્ટ તૈયાર કરી વસંત મજેઠિયા ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા. પછીથી પ્રદીપ સોઢા અને વિક્રમ લાખાણીને પદાધિકારી દર્શાવવામાં આવ્યા હતા. વસંતભાઈ સહિત અન્યોએ બનાવટી દસ્તાવેજોને આધારે ટ્રસ્ટને નામે ત્રણ બૅન્કમાં ખાતાં ખોલાવ્યાં હતાં. આ ખાતાઓમાં ભાડૂતો પાસેથી પ્રાપ્ત રકમ જમા કરી અન્ય વ્યક્તિના નામના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ટ્રસ્ટના સભ્યોના ધ્યાનમાં આવ્યું હતું.
ટ્રસ્ટના નામે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાંથી અંદાજે ૪૦ લાખ રૂપિયા અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરીને ટ્રસ્ટનું આર્થિક નુકસાન કરવામાં આવ્યું હતું. એ સિવાય ટ્રસ્ટની ઈમારતોમાં આવેલી કેટલીક રૂમ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરતી વખતે કોઈ પણ પ્રકારના કાયદેસરના કરાર કરવામાં આવ્યા નહોતા. તેના બદલામાં નાણાં સ્વીકારીને ટ્રસ્ટની એક કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.