Mumbai Crime: મુંબઇમાં મહિલાઓની સુરક્ષા સામે ફરી પ્રશ્નાર્થ? ગળા પર ચાકૂ મૂકી 15 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર
મુંબઇ: દેશના સૌથી સુરક્ષીત શહેરોમાંથી એક ગણાતી મુંબઇ શું મહિલાઓ અને યુવતીઓ માટે અસુરક્ષીત બની રહી છે? આવું છેલ્લાં કેટલાંક અઠવાડીયામાં બની રહેલી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા નેવે મૂકતી એક ઘટના મુંબઇના મુલુંડમાં બની છે. ગળે ચાકૂ મૂકી અને માતાને મારી નાંખવાની ધમકી આપી એક 15 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના બની છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ આ ઘ્રુણાસ્પદ ઘટના મુલુંડમાં બની છે. જ્યાં 15 વર્ષની સગીરાના ગળે ચાકૂ મૂકી અને તેની માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. મુલુંડ પોલીસે આ અંગે સામુહિક બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં પોલીસે 21 વર્ષના આરોપીની ધરપકડ કરી છે.
જ્યારે બીજો આરોપી ફરાર હોવાથી પોલીસની એક ટીમ તેને શોધવા બીજા રાજ્યમાં રવાના થઇ છે. બેભાન કરવાની દવા આપીને આ સગીરા પર લૈંગીક અત્યાચાર કરવામાં આવ્યો છે એમ એફઆઇઆરમાં નોંધવામાં આવ્યું છે. આ અંગે પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી હોવાની જાણકારી મળી છે.
મુંબઇમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ગુનેગારો દ્વારા કાયદા અને વ્યવસ્થાનો છડેચોક ભંગ થઇ રહ્યો છે. તેથી મહિલાઓની સુરક્ષા સામે હવે પ્રશ્નચિન્હ ઊભુ થયું છે. મુંબઇમાં ગુનેગારોને પોલીસનો સહેજ પણ ધાક નથી તે દેખાઇ રહ્યું છે. તેથી જ આવી ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.