બહુમાળી ઇમારતોની દર બે વર્ષે સુરક્ષા ચકાસણી કરાશે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે સલામતી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે દર બે વર્ષે શહેરોમાં બહુમાળી બાંધકામોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવશે. વિધાન પરિષદમાં બોલતા, ફડણવીસે જણાવ્યું હતું કે નવા બિલ્િંડગ કોડ મુજબ આગના સમયે રહેવાસીઓને આશ્રય આપવા માટે ઊંચી ઇમારતોએ દર બે થી ત્રણ માળે આશ્રય વિસ્તારોનો સમાવેશ કરવો આવશ્યક છે. આ દિશાનિર્દેશો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં, ખાસ કરીને મુંબઈ, પુણે, થાણે અને અન્ય મોટા શહેરોમાં સલામતીના પગલાંને વધારશે, એમ તેમણે જણાવ્યું હતું.
“કેટલાક કિસ્સાઓમાં, એવું જાણવા મળ્યું છે કે આશ્રય વિસ્તારો ઓફિસો અથવા ક્લબ સુવિધાઓ માટે પુન:પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ર્ચિત કરવા માટે દર બે વર્ષે ઊંચી ઇમારતોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવશે, નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ફડણવીસે મોટા શહેરોની હૉસ્પિટલોમાં બર્ન વોર્ડની વ્યાપક સમીક્ષાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓને સુધારવા માટે જો જરૂરી હોય તો બેડની ક્ષમતા વધારવાનું વચન આપ્યું હતું.
ભાજપ વિધાનસભ્ય ઉમા ખાપરે પિંપરી-ચિંચવાડના તલવાડેમાં એક મીણબત્તી ફેક્ટરીમાં તાજેતરમાં લાગેલી આગનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં ૧૧ લોકોના જીવ ગયા હતા. તેના સંદર્ભમાં ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે આ ફેક્ટરી રેડ ઝોનમાં આવેલી છે, જેની સ્થાપના ૨૦૦૮માં ભારતીય સેનાના સધર્ન કમાન્ડની નજીક હોવાને કારણે કરવામાં આવી હતી. રેડ ઝોનની મર્યાદાના વિસ્તરણ અંગેની જાહેર ચિંતાઓની નોંધ લેતા, નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે તેઓ સંરક્ષણ પ્રધાનને મળશે અને સંભવિત ઘટાડા અંગે ચર્ચા કરશે. (પીટીઆઈ)