આમચી મુંબઈમહારાષ્ટ્ર

એમએમઆરમાં કનેક્ટિવીટી સરળ બનાવવા ‘મલ્ટી મોડલ ટનલ નેટવર્ક’

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલા વિસ્તારોમાં ક્નેક્ટિવિટી સરળ કરવા રાજ્ય સરકાર ‘મલ્ટી-મોડલ ટનલ નેટવર્ક’ બનાવવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આઠ સભ્યોની કમિટીની નિમણૂક કરવામાં આવી છે, એના ભાગરૂપે પાલિકાએ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરવા માટે ટેન્ડર આમંત્રિત કર્યા છે.

હાલ શહેરમાં ટ્રાન્સર્પોટેશનને સરળ બનાવવા માટે અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે. મુંબઈ કોસ્ટલ રોડ, દહિસર-ભાઈંદર એલિવેટેડ રોડ જેવા પ્રોજેક્ટ પાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે, જે દક્ષિણ મુંબઈને પશ્ર્ચિમી ઉપનગર સાથે જોડશે. મહારાષ્ટ્ર સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટને કારણે દક્ષિણ મુંબઈના શીવડી નવી મુંબઈના જેએનપીટીની નજીક ન્હાવા શેવાને જોડશે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનની ક્નેક્ટિવિટીમાં સુધારો કરશે. એ ઉપરાંત મુંંબઈ મેટ્રો પ્રોજેક્ટ પૂર્વ-પશ્ર્ચિમ અને ઉપનગરીય જોડાણમાં સુધારો કરશે. આગામી ૩૦ વર્ષમાં એમએમઆરના ગ્રોથને ધ્યાનમાં રાખીને મલ્ટિ-મોડલ ટનલ નેટવર્ક વિકસાવવામાં આવવાનું છે.

પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલના નેતૃત્વ હેઠળની કમિટી ટ્રાન્સપોર્ટ ટનલ માટેના સ્થળોની ઓળખ કરશે. ટનલના નિર્માણ માટે સમયમર્યાદા નક્કી કરશે. પર્યાવરણીય અસરનો અભ્યાસ કરશે અને પ્રોજેક્ટનો ખર્ચ કેટલો થશે તેનો અભ્યાસ કરશે. કટોકટી દરમિયાન પૂર નિવારણ માટે આ કમિટી ટનલ સિસ્ટમનો ઉપયોગ કરવા પર પણ કામ કરી રહી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ માસ્ટર પ્લાન તૈયાર કરવા, ટ્રાફિક, પૂર અને ટનલના કદનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. શહેરમાં અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝન નેટવર્કને ૨૬ જુલાઈ, ૨૦૦૫ના રોજ અસર થઈ હતી. તેથી ટનલ દ્વારા અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝને સુરક્ષિત કરવાનો વિચાર પણ ચર્ચા હેઠળ છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના કમિશનર આ કમિટીના ઉપાધ્યક્ષ હશે. અન્ય સભ્યોમાં એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(ઈન્ફ્રાસ્ટ્રક્ચર), ચીફ એન્જિનિયર (બ્રિજ) અને એમએમઆરડીએ અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર (ફાઈનાન્સ) હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button