ફાઉન્ટન પર મલ્ટિ-લેવલ રોબોટિક-પબ્લિક પાર્કિંગનું કામ શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ દક્ષિણ મુંબઈમાં હુતાત્મા ચોક (ફ્લોરા ફાઉન્ટન) પાસે અત્યાધુનિક મલ્ટિ-લેવલ રોબોટિક પબ્લિક પાર્કિંગનું બાંધકામ ચાલુ કર્યું છે. ઓટોમેટિક પાર્કિંગ સિસ્ટમ માટેનો શિલાન્યાસ બુધવારે કરવામાં આવ્યો હતો. એક વખત આ પાર્કિંગ પ્લોટ બની જશે પછી અહીં ૧૯૪ કાર પાર્ક કરી શકાશે. આ વિસ્તાર દક્ષિણ મુંબઈનો અત્યંત વ્યસ્ત વિસ્તારોમાનો એક હોવાથી પાર્કિંગની સમસ્યામાં રાહત મળશે એવો દાવો પાલિકાના ઉચ્ચ અધિકારીએ કર્યો હતો.
શહેરમાં વધતા વાહનોની સંખ્યા સામે પાર્કિંગની સમસ્યા વધી રહી છે ત્યારે પાલિકા મહત્ત્વનાં સ્થળો પર મલ્ટિ-લેવલ પાર્કિંગની સુવિધા ઊભી કરી છે. જેમાં વરલીમાં પાલિકાનું એન્જિનિયરિંગ હબ, કાલબાદેવીમાં મુંબાદેવી મંદિર પાસે, માટુંગામાં સેન્ટ્રલ રેલવે સ્ટેશનની સામે અને બોમ્બે હાઈ કોર્ટની નજીક હુતાત્મા ચોકનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૫૦૪.૧૯ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સ્થાનિક નાગરિકોના વિરોધ બાદ માટુંગા પૂર્વ રેલવે સ્ટેશનની સામે ૨૩ માળના મલ્ટિ-લેવલ પાર્કિંગના પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો હતો. જોકે પાલિકાએ દક્ષિણ મુંબઈમાં પહેલા અંડરગ્રાઉન્ડ મલ્ટિ-લેવલ પાર્કિંગ પર સત્તાવાર રીતે કામ ચાલુ કરી દીધું છે.
Also read: મુંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫ ટકા વધુ રકમનું બજેટ
હાલ હુતાત્મા ચોક પાસે અંડરગ્રાઉન્ડ મલ્ટિ-લેવલ પાર્કિંગમાં ચાર લેવલ હશે, જેનો બાંધકામનો ખર્ચ ૭૦ કરોડ રૂપિયા હશે. અહીં પશ્ર્ચિમ તરફ ૧૨ મીટરનો એક્સેસ રોડ અને પૂર્વ બાજુએ સાત મીટરનો એક્સેસ રોડ હશે. વાહનો પૂર્વ બાજુથી પ્રવેશ કરશે અને પશ્ર્ચિમ બાજુથી બહાર નીકળશે, જેનાથી ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદ હેઠળ આ પ્રોજેક્ટ કામ કરશે જેમાં લિફ્ટનો ઉપયોગ વાહનો માટે કરવામાં આવશે.