મુંબઇઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ત્રણ દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનારે ખંડણીની રકમ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે. પ્રથમ ઇમેલ ધમકીમાં 20 કરોડ રૂપિયા અને બીજી ઇ-મેલ ધમકીમાં તેમની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ઈમેલ પણ એ જ એડ્રેસ પરથી આવ્યો છે જેમાંથી અગાઉના બે ઈમેલ આવ્યા હતા. સોમવારે મોકલવામાં આવેલા આ ઈમેલમાં ધમકી આપનારે એમ પણ જણાવ્યું છે કે પોલીસ મને પકડી નહીં શકે.
મુંબઈ પોલીસ હજુ પણ બે જૂના ઈમેલના ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ઈન્ટરપોલ દ્વારા પોલીસે આ ઈમેલની વિગતો શોધવા માટે બેલ્જિયમની વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપની (વીપીએન)ની મદદ માંગી છે. આ મેઇલ shadabkhan@mailfence.com પરથી મોકલવામાં આવ્યા છે.
ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ આઇપી એડ્રેસ બેલ્જિયમનું છે. પરંતુ પોલીસને શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ અન્ય કોઈ દેશમાં રહે છે અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બેલ્જિયન વીપીએનનો ઉપયોગ કરી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પહેલી નજરે એવું લાગે છે કે આ ઈમેલ એડ્રેસ માત્ર ધમકી આપવા માટે બનાવવામાં આવ્યું છે.
સોમવારે મોકલવામાં આવેલા ત્રીજા ઈમેલમાં ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે, ‘હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ રૂપિયા કરી દીધી છે. જો પોલીસ મને શોધી નથી શકતી તો તેઓ મારી ધરપકડ પણ નહીં કરી શકે, તેથી અમને તમને મારવામાં કોઈ સમસ્યા નથી, તમારી વર્તમાન સુરક્ષા ગમે તેટલી સારી હોય, અમારો એકમાત્ર સ્નાઈપર તમને મારી શકે છે. અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે. ‘
આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણી અથવા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. ગયા વર્ષે 5 ઓક્ટોબરે એક વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની પણ ચર્ચા હતી.
જો કે, બીજા જ દિવસે તે વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની ઓળખ રાકેશ કુમાર શર્મા તરીકે થઈ હતી. કેટલાક વર્ષ પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલું વાહન મળવાના સમાચારે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ