અબજોપતિ મુકેશ અંબાણીનું એન્ટેલિયા મેન્શન વક્ફ બોર્ડની જમીન પર? જાણો શું છે વિવાદ…

મુંબઇ: લોકસભામાં આજે વક્ફ સંશોધન બિલ ચર્ચા માટે રજૂ થયું છે. આ દરમિયાન વિશ્વના અમીર વ્યક્તિમાં સામેલ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત મેન્શન એન્ટિલિયા ચર્ચામા છે. જોકે આ મુદ્દો ઘણો જૂનો છે, પરંતુ જ્યારે પણ વકફ બૉર્ડ વિશે ચર્ચા થાય ત્યારે વારંવાર પ્રકાશમાં આવે છે.આ અંગે મહારાષ્ટ્ર વકફ બોર્ડના કાર્યકારી સીઇઓએ જણાવ્યું હતું કે એન્ટિલિયા અનાથ આશ્રમની જમીન પર બનાવવામાં આવ્યું છે. આ અંગે મુંબઈ હાઈકોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં વક્ફ બોર્ડના કાર્યકારી સીઈઓએ જણાવ્યું હતું કે 9 માર્ચ, 2005ના રોજ મુંબઈ શહેરની મધ્યમાં આવેલી જમીનના વેચાણને તત્કાલીન ચેરમેન અને સીઈઓએ મંજૂરી આપી હતી. ત્યારે અયોગ્ય પદ્ધતિ અપનાવવામાં આવી હતી. મીડિયા અહેવાલ અનુસાર લઘુમતી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ અને રાજ્ય વક્ફ બોર્ડના કાર્યકારી સીઈઓ સંદેશ સી તડવી દ્વારા આ એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી.
હાઇકોર્ટે ચેરિટી કમિશનરની મંજૂરી અંગે વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો

જ્યારે આ અંગે મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લુરની આગેવાની હેઠળની બોમ્બે હાઈકોર્ટની બેન્ચે 21 જુલાઈ 2017ના રોજ રાજ્ય વક્ફ બોર્ડને અનાથાશ્રમની જમીનના વેચાણ માટે ચેરિટી કમિશનરની મંજૂરી અંગે વલણ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિશ્વની સૌથા મોંઘા ખાનગી મેન્શન તરીકે ઓળખાતુ એન્ટિલિયા મૂળ કુરિમ્બોય ઈબ્રાહિમ ખોજા અનાથાશ્રમની માલિકીની જમીન પર નિર્મિત કરવામાં આવ્યું છે.
જમીન વર્ષ 2005માં ટ્રસ્ટ પાસેથી ખરીદવામાં આવી હતી

આ જમીન જેની પર મફિન-એન્ટિલિયા કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ બનાવવામાં આવ્યું છે. તે વર્ષ 2005માં ટ્રસ્ટ પાસેથી ખરીદવામાં આવી હતી. આ ટ્રસ્ટ અનાથ અને ગરીબ બાળકોના કલ્યાણ માટે કાર્ય કરતું હતું. આ ટ્રસ્ટે જુલાઇ 2002માં 4532 ચોરસ મીટર જમીન એન્ટિલિયા કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડને માત્ર 21.5 કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. જ્યારે તેનું બજાર મૂલ્ય લગભગ 100 કરોડ આસપાસ હતું.
વકફ એક્ટ 1955 ની કલમ 52નું ઉલ્લંઘન
જ્યારે એપ્રિલ 2002માં કુરિમ્બોય ખોજા ટ્રસ્ટે એન્ટિલિયા કોમર્શિયલને જમીન વેચવાની મંજૂરી માટે ચેરિટી કમિશનર સમક્ષ અરજી દાખલ કરી હતી. કમિશનરે 27 ઓગસ્ટ 2002 ના રોજ પરવાનગી આપી હતી. ત્યાર બાદ તત્કાલીન મહારાષ્ટ્ર રાજ્ય વકફ બોર્ડ દ્વારા આ વ્યવહાર ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ એન્ટિલિયા કોમર્શિયલને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વકફ એક્ટ 1955 ની કલમ 52 નું ઉલ્લંઘન છે. વકફ એક્ટની કલમ 52 કલમ વકફ બોર્ડની પૂર્વ મંજૂરી વિના વકફની સ્થાવર મિલકત વેચવા અને પરત મેળવવા સબંધિત છે.
વકફ બોર્ડમાં 16 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા

જ્યારે અનાથાશ્રમ ટ્રસ્ટે 22 એપ્રિલ 2004 ના રોજ સીઈઓ દ્વારા જાહેર કરાયેલી નોટિસને વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકારી હતી. સ્ટેટ બોર્ડ ઓફ વકફના સીઈઓએ દાવા દરમિયાન ટ્રસ્ટ સાથેના મુદ્દાનું સમાધાન કર્યું હતું અને નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ટ્રસ્ટીઓ સ્વીકારશે કે જમીન ખરેખર વકફ મિલકત હતી. તો બોર્ડને વાર્ષિક ફાળો ચૂકવવામાં આવશે તે અંગે પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા વકફ એક્ટ,1995 ની કલમ 72 મુજબ 16 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
વિવાદમા રહેલી જમીન વકફ મિલકત નથી : ટ્રસ્ટ
આ અંગેની પીઆઈએલ અબ્દુલ મતીન અને વકીલ એજાઝ નકવીએ દાખલ કરી હતી.અબ્દુલ મતીને અનાથાશ્રમની જમીન વેચાણની મંજૂરી આપતા ચેરિટી કમિશનરના હુકમને પડકાર્યો હતો. જ્યારે વકીલ એજાઝ નકવીએ પણ વેચાણની મંજૂરી અંગે હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રસ્ટે જણાવ્યું હતું કે વિવાદમા રહેલી જમીન વકફ મિલકત નથી અને બાદમાં મહારાષ્ટ્ર રાજ્ય વકફ બોર્ડ દ્વારા નિર્ધારિત વકફ મિલકતોની યાદીને પડકારીને તેને પાછી ખેંચી લીધી હતી.
આ પણ વાંચો : Mukesh Ambani-Nita Ambaniનું ઘર Antilia કોણે ડિઝાઈન કર્યું છે, જાણો છો?