એસટીની કથળેલી આર્થિક પરિસ્થિતિ: રખડી પડેલા પગાર સરકારની સબ્સિડી આવ્યા બાદ હવે સોમવારે મળશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કથળેલી આર્થિક સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાની સબ્સિડી આપવામાં વિલંબ થયો હોવાથી અટકી પડેલા એસટી (એમએસઆરટીસી)ના કર્મચારીઓનું વેતન હવે સોમવારે થવાની શક્યતા છે.
રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને 471.05 કરોડની સબ્સિડીની રકમ આપવામાં આવતા એસટી કર્મચારીઓના પગાર તેમના બેંક ખાતામાં સોમવારે જમા થશે એવી માહિતી આપવામાં આવી છે. કર્મચારીઓને દર મહિનાની સાત તારીખે પગાર મળે છે. જોકે, સબ્સિડીની રકમ મળવામાં વિલંબ થવાને કારણે એસટી કર્મચારીઓના પગારમાં વિલંબ થયો છે.
હવે રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2025 માટે સબ્સિડીની ભરપાઈ તરીકે એસટી નિગમને 471.05 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેથી, સોમવારે કર્મચારીઓના બેંક ખાતામાં પગાર જમા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
એસટી નિગમ દ્વારા મુસાફરી કરતા રાજ્યના હજારો મુસાફરો માટે વિવિધ રાહત યોજનાઓ છે. આ યોજનાઓ દ્વારા, મુસાફરોના ટિકિટ ભાડામાં 33 ટકાથી 100 ટકા સુધીની છૂટ આપવામાં આવે છે. આમાં વરિષ્ઠ નાગરિકો માટે મફત ટિકિટ ભાડા અને મહિલાઓ માટે અડધી ટિકિટ યોજનાનો સમાવેશ થાય છે.
આ છૂટછાટોની જવાબદારી રાજ્ય સરકારની છે. તેથી, રાજ્ય સરકાર સંપૂર્ણ ટિકિટ ભાડાના 67 ટકા સબ્સિડી પેટે એસટી મહામંડળને ચુકવે છે.
સપ્ટેમ્બર 2025ના ક્ધસેશનલ મૂલ્યની ભરપાઈ માટે એસટી નિગમને 471.05 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું હતું. આ દ્વારા એસટી નિગમના લગભગ 83 હજાર કર્મચારીઓના ઓક્ટોબર મહિનાના પગારનો મુદ્દો ઉકેલાઈ ગયો છે.



