એમએસઇડીસીએલનો એન્જિનિયર 20 હજારની લાંચ લેતાં પકડાયો

થાણે: ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટર પાસે 20 હજાર રૂપિયાની લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ એમએસઇડીસીએલના આસિસ્ટન્ટ એન્જિનિયરની ધરપકડ કરી હતી.
આરોપી સુરેન્દ્રન અનંત સુબ્રહ્મણ્યમ પિલ્લઇ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (એમએસઇડીસીએલ)ના વસઇ પશ્ર્ચિમ સબ-ડિવિઝનમાં કાર્યરત છે.
એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટરે છ ઇલેક્ટ્રિક મીટર લગાવવા માટે અરજી કરી હતી. જ્યારે તેણે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પિલ્લઇનો સંપર્ક સાધ્યો હતો, ત્યારે પિલ્લઇએ મંજૂરી આપવા માટે 20 હજાર રૂપિયા અને વધારાના પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી. વાટાઘાટોને અંતે તે 20 હજાર રૂપિયા સ્વીકારવા તૈયાર થયો હતો.
દરમિયાન કોન્ટ્રેક્ટરે એસીબીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવ્યા બાદ અધિકારીઓએ છટકું ગોઠવી પિલ્લઇને લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો, એમ ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી-થાણે) અનિલ જયકરે જણાવ્યું હતું. પિલ્લઇ વિરુદ્ધ માણિકપુર પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
(પીટીઆઇ)
આ પણ વાંચો…અમદાવાદની કોલેજના ટ્રસ્ટી સામે ₹ 3 લાખની લાંચનો ગુનો: વોચમેન રંગેહાથ ઝડપાયો



