અજિત પવાર અને સુનેત્રા પવારને મુંબઈ પોલીસની ક્લિનચીટ
મુંબઈઃ 25 હજાર કરોડના MSCB બેંક કૌભાંડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમની પત્ની સુનેત્રા પવારને ક્લીનચીટ આપી છે. મુંબઈ પોલીસના EOWએ તેના ક્લોઝર રિપોર્ટમાં કહ્યું છે કે આ કેસમાં તપાસ દરમિયાન તેમને કોઈ ગુનાહિત કૃત્ય જેવું કંઈ દેખાયું નથી. તેથી, અમે આ મામલે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, તેમના પત્ની સુનેત્રા પવાર અને અન્યને ક્લીનચીટ આપી રહ્યા છીએ.
EOW એ તેના ક્લોઝર રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે સુગર મિલને વેચવાની પ્રક્રિયામાં લૉન આપનારી બેંકને કોઈ નુકસાન થયું નથી. મુંબઈ પોલીસે જણાવ્યું કે સુનેત્રા પવારે વર્ષ 2008માં જય એગ્રોટેકના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બે વર્ષ બાદ જય એગ્રોટેકે જરાંદેશ્વર સુગર મિલને 20.25 કરોડ રૂપિયા આપ્યા હતા.
આ પછી ગુરુ કોમોડિટીએ હરાજીમાં 65.75 કરોડ રૂપિયામાં જરાંદેશ્વર સામેની સુગર મિલ ખરીદી. આ પછી, ગુરુ કોમોડિટીએ તેને લીઝ પર આપી હતી, જેના ડિરેક્ટર રાજેન્દ્ર ઘડગે અને અજિત પવારના સંબંધીઓ હતા, ગુરુ કોમોડિટીને 65.53 કરોડનું ભાડું આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અજિત પવાર હવે ભાજપ સાથે છે અને તેમના પત્ની સુનેત્રા પવાર બારામતીના લોકસભાના ઉમેદવાર છે. કાકા શરદ પવાર સાથે છેડો ફાડી અજિત પવાર જ્યારે ભાજપ સાથે જોડાયા ત્યારથી શરદચંદ્ર પવારની એનસીપી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કૉંગ્રેસ આક્ષેપો કરી રહ્યા છે કે અજિત પવાર પરના કથિત ભ્રષ્ટાચારના કેસમાંથી પવારને છૂટકારો મળે તે માટે જ પવારે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.