સંજય રાઉતના બંગલોની બે મોટરસાઇકલ સવારોએ રૅકી કરી: પોલીસે તપાસ આદરી…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતના ભાંડુપ વિસ્તારમાં આવેલા બંગલોની શુક્રવારે બે મોટરસાઇકલસવારોએ રૅકી કરી હતી, જેને પગલે મુંબઈ પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સંજય રાઉતના ‘મૈત્રી’ બંગલોની બહાર શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બે શખસ મોટરસાઇકલ પર આવ્યા હતા અને રાઉતના બંગલોની બહાર તેમણે મોટરસાઇકલ થોભાવી હતી. થોડો સમય ત્યાં રોકાયા બાદ બંને શખસ ત્યાંથી જતા રહ્યા હતા.
બંગલોની આસપાસમાં રહેતા અમુક લોકોની નજર બંને શકમંદ પર પડી હતી અને તેમણે આની જાણ રાઉતના નાના ભાઇ અને સ્થાનિક વિધાનસભ્ય સુનીલ રાઉતને કરી હતી. બાદમાં પોલીસને તેની માહિતી આપવામાં આવી હતી.
દરમિયાન કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ અદાણી જૂથ જ કરશે: હાઈ કોર્ટનું ગ્રીન સિગ્નલ…
પોલીસ ટીમ બંગલો ખાતેના અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી રહી છે, જેમાં બે શકમંદ મોટરસાઇકલ પર ફરી રહ્યા છે, એવું નજરે પડે છે. બંને શખસ બંગલોની રૅકી કરવા આવ્યા હોવાની શંકા છે.
પોલીસ હવે બંને શકમંદ અને તેમની મોટરસાઇકલની શોધ ચલાવી રહી છે. આ પ્રકરણે હજી કોઇ ગુનો દાખલ કરાયો નથી. હાલ તપાસ ચાલી રહી છે. જો કશું પણ ગંભીર જણાય તો બારીકાઇથી તપાસ શરૂ કરવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેના અને ભાજપ વચ્ચે યુતિ તૂટી ગઇ ત્યારથી સંજય રાઉત કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. (પીટીઆઇ)