રસ્તા પર પાર્ક ટ્રેલર સાથે અથડાયા બાદ મોટરસાઇકલ સળગી જતાં ચાલક ભડથું

થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં રસ્તા પર પાર્ક ટ્રેલર સાથે અથડાયા બાદ મોટરસાઇકલ સળગી જતાં 30 વર્ષનો ચાલક ભડથું થઇ ગયો હતો.
અંબરનાથમાં ખોની-ઉસાતને માર્ગ પર રવિવારે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા ચાલકની ઓળખ રાજેશ દિનેશ રામ તરીકે થઇ હતી. રાજેશ રવિવારે તેના મિત્ર સાથે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો. રાજેશ મોટરસાઇકલ હંકારી રહ્યો હતો અને તે રસ્તાને કિનારે પાર્ક કરાયેલા ટ્રેલર સાથે અથડાઇ હતી.
હિલલાઇન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ મોટરસાઇકલ સળગી જતાં રાજેશ ભડથું થઇ ગયો હતો, જ્યારે તેના મિત્રને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો : થાણેમાં પોડ ટેક્સીનું ટ્રાયલ થશે
મિત્રને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે ટ્રેલરના ડ્રાઇવર સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટની સંબંધિત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)