માતા-પુત્રીની હત્યા કરી મૃતદેહો પથ્થર ભરેલી ગૂણી સાથે બાંધીને ઝરણામાં ફેંકનારા પકડાયા
મૃતક આરોપીના ભાઈની પાંચમી પત્ની હોવાથી તેમની વચ્ચે સતત ઝઘડા થતા હતા
મુંબઈ: મનોરમાં માતા-પુત્રીની હત્યા કર્યા બાદ મૃતદેહોને પથ્થર ભરેલી ગૂણીઓ સાથે બાંધી ઝરણામાં ફેંકી દેવા પ્રકરણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. મૃતક આરોપીના ભાઈની પાંચમી પત્ની હતી અને તેમની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આ ગુનો આચર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
મનોર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ સંદીપ રામજી ડાવરે (35), સુમન ઉર્ફે સકુ સદુ કરબટ (48) અને હરિ રામા ગોવારી તરીકે થઈ હતી. પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ પાલઘર જિલ્લાના સાવરે ગામમાં સોમવારે ઝરણામાંથી સુસ્મિતા પ્રવીણ ડાવરે (22)નો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં મહિલાની ઓળખ થયા પછી આરોપીઓ સાથે તેના વિવાદની જાણ થઈ હતી.
આ પણ વાંચો :ઝુંપડપટ્ટી મુક્ત મુંબઈ એ જ અમારું સપનું: એકનાથ શિંદે
સુસ્મિતા આરોપી સંદીપ અને સુમનના ભાઈની પાંચમી પત્ની હોવાથી આ મુદ્દે ઘરમાં વારંવાર ઝઘડા થતા હતા. સુસ્મિતા આરોપીઓને તેમના ઘરમાંથી બહાર નીકળી જવાની ચેતવણી આપતી હતી. આ વાતથી રોષે ભરાયેલા આરોપીઓએ સાથી ગોવારીની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ સુસ્મિતા અને તેની દોઢ વર્ષની પુત્રી પ્રતિભાની ઓઢણીની મદદથી ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા પછી સુસ્મિતાના મૃતદેહને પથ્થર ભરેલી બે ગૂણી સાથે બાંધીને, જ્યારે પ્રતિભાના મૃતદેહને એક ગૂણી સાથે બાંધીને ઝરણામાં ફેંક્યા હતા. આરોપીઓની કબૂલાત પછી પોલીસે બાળકીના મૃતદેહને પણ ઝરણાનાં પાણીમાંથી શોધી કાઢ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું