દહિસરમાં પાંચ વર્ષના પુત્ર સાથે ક્રૂરતા આચરનારી માતા અને તેના પ્રેમીની ધરપકડ
મુંબઈ: ગરમ પાણી રેડી પાંચ વર્ષના પુત્રને ઇજા પહોંચાડવા સહિત તેને દીવાલ સાથે અફાળવો અને ટોર્ચર કરવાની અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવા બદલ દહિસર પોલીસે ૨૭ વર્ષની માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ટોર્ચરને કારણે બાળકના મગજને હાનિ પહોંચી હતી. પાંચ વર્ષના બાળકના રત્નાગિરિમાં રહેતા પિતા વિનોદ ઘડવેની ફરિયાદને આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી.
ફરિયાદમાં ૩૨ વર્ષના ઘડવેએ જણાવ્યું હતું કે ૨૦૧૭માં તેનાં લગ્ન નીલમ (૨૭) સાથે થયાં હતાં અને તેમને પાંચ વર્ષનો પુત્ર છે. બન્ને વચ્ચે બનતું નહોતું અને ઝઘડા થતા ત્યારે નીલમ બાળક પર ગુસ્સો ઉતારતી હતી, જેને પગલે બન્ને અલગ થઈ ગયાં હતાં.
ઘડવેએ કહ્યું હતું કે ૧૦ જૂન, ૨૦૨૩ના રોજ નીલમ પુત્રને તેની સાથે લઈ ગઈ હતી. પછી મુંબઈ તે તેના
પ્રેમી અક્ષય ગાવડ સાથે રહેવા લાગી હતી. અક્ષય ફૂડ ઍપ ડિલિવરી પાર્ટનર હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
નીલમ મુંબઈ આવ્યા પછી પુત્રને તેના પિતા સાથે વાત કરવા દેતી નહોતી. ૨૮ સપ્ટેમ્બરે પુત્રની તબિયત સારી ન હોવાની જાણકારી મળતાં ઘડવે મુંબઈ આવ્યો હતો. પુત્રને ફિટ આવે છે અને મગજમાં ઇજા થઈ છે, એવું તેને જણાવવામાં આવ્યું હતું. તે સમયે ઘડવે અને તેની માતાને બાળકને મળવા દેવાયાં નહોતાં.
પહેલી ઑક્ટોબરે ઘડવેને માહિતી મળી હતી કે તેનો પુત્ર દહિસરની હૉસ્પિટલના આઈસીયુમાં છે. ડૉક્ટરને મળતાં પુત્ર બેભાન હોવાનું અને વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું હતું. તેના શરીર, પીઠ, સાથળ પર જખમનાં નિશાન હતાં. સાથળ પર ડામ અપાયા હતા અને ગુપ્તાંગ પર ચામડી છોલાયેલી હતી. માથામાં ઇજાથી આંતરિક રક્તસ્રાવ થયો હોવાનું પણ ડૉક્ટર પાસેથી જાણવા મળ્યું હતું.
બન્ને ખભાના હાડકાંમાં ફ્રેક્ચર પણ થયું હતું. આ બધી ઇજા ચારથી છ અઠવાડિયાં પહેલાં થઈ હોવાનું નિદાન ડૉક્ટરે કર્યું હતું. ડૉક્ટરના રિપોર્ટ સાથે ઘડવેએ દહિસર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી નીલમ અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. કોર્ટે બન્નેને પોલીસ કસ્ટડી ફટકારી હતી. બાળકને આટલી બધી ઇજા કઈ રીતે થઈ તેની તપાસ પોલીસ કરી રહી છે.