પુણેમાં મચ્છરોનો ઉપદ્રવ કે બીજું કાંઈ, વીડિયો વાઈરલ
પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક ભયાનક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોના મનમાં પુણે પાલિકા પ્રશાસનની કામગીરી અંગે સવાલ કરવામાં આવી રહ્યા છે. પુણેની મુઠા નદીના વિસ્તારના આ વીડિયોમાં હજારોની સંખ્યામાં મચ્છરો એક જગ્યાએ જમા થતાં જાણે મચ્છરોનો ચક્રવાત (એટલે ધૂળની ડમરી) ઊભો થઈ રહ્યો હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ આ વીડિયો પુણેના કેશવનગર અને ખરાડી ગામના નજીકના વિસ્તારનો છે, જ્યાંની નદીમાં પાણીને લીધે હજારોની સંખ્યામાં મચ્છરનો ઉપદ્રવ થયો છે.
જાણે ટોર્નેડો આવ્યું હોય એટલી બધી સંખ્યામાં મચ્છરો જોવા મળ્યા હતા, તેનાથી પાલિકા પ્રશાસન પણ હરકતમાં આવી ગયું છે અને મચ્છરોનો નાશ કરવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ ઘટના અંગે પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં આવેલી મુલા-મુથા નદી પર પાણીનું શુદ્ધિકરણ માટે કામકાજ ચાલી રહ્યું છે અને આ સાથે ખરડીને જોડવા માટે એક પુલનું બાંધકામ પણ કરવામાં આવી રહ્યું છે. આ કામકાજને કારણે નદીના પાણીનો પ્રવાહ ધીમો થઈ ગયો છે જેને કારણે એક જ જગ્યાએ પાણી જમા થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.
આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં મચ્છરો આવતા પાલિકા દ્વારા તેને રોકવાના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે પુલના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયામાં મોડુ થતાં આ સમસ્યા નિર્માણ થઈ છે.
જોકે આ મચ્છરને લીધે વિસ્તારમાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે ઔષધ અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પુણેમાં મચ્છરના વીડિયોને લઈને લોકોએ પાલિકા પ્રશાસનને લોકોના જીવ સાથે ખેલ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
એક અહેવાલ મુજબ આ વિસ્તારમાં હજારો મચ્છરોનો જમાવડો જમા થયો છે તેને પુણે પાલિકા દ્વારા જલ્દીથી જલ્દી કોઈ પગલાં લઈને આ સમસ્યાને દૂર કરવી જોઈએ. આ મુદ્દે સોશિયલ મીડિયા પર યૂઝરે પ્રશાસનને સત્વરે પગલા ભરવાનો અનુરોધ કર્યો હતો. જો આ કામમાં મોડુ થશે તો નાગરિકોના સ્વાસ્થ્યને જોખમ નિર્માણ થશે. જોકે, આ સમસ્યા છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહી છે. સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં મચ્છરો આવી જાય છે જેથી વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે એવું એક સ્થાનિકે જણાવ્યું હતું.