મલબાર હિલ નેચર ટ્રેલની ચાર મહિનામાં પોણા બે લાખથી વધુ પર્યટકોએ લીધી મુલાકાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિમેન્ટના જંગલ કહેવાતા મુંબઈમાં હરિયાળીનો અનુભવ કરવા બનાવેલા મલબાર હિલ નેચર ટ્રેલમાં જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં લગભગ ૧.૮૧ લાખ પર્યટકો મુલાકાત લીધી છે.
માર્ચ મહિનામાં પર્યટકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યા બાદ મલબાર હિલ નેચર ટ્રેલની અત્યાર સુધી ૨.૯૮ લાખ પર્યટકોએ મુલાકાત લીધી છે અને તેના થકી મુંબઈ મહાનગરપાલિકાને ૭૨ લાખ રૂપિયાની આવક થઈ છે.
સિંગાપોરના એલિવેટેડ ફોરેસ્ટ વોકવેથી પ્રેરિત મલબાર હિલ પરનો લાકડાનો વોક-વે પર્યટકોને પ્રકૃતિની નજીક લઈ જાય છે. કમલા નહેરુ પાર્ક નજીક શરૂ થયેલો ૪૮૫ મીટર લાંબો, ૨.૪ મીટર પહોળો ટ્રેઈલ લીલાછમ મલબાર હિલ ફોરેસ્ટમાંથી પસાર થાય છે. એક કલાકના સ્લોટ દીઠ ૨૦૦ લોકોનો પ્રવેશ મર્યાદિત છે, જેમાં મુંબઈવાસીઓ માટે ૨૫ રૂપિયાની ફી છે. તો વિદેશીઓ માટે ૧૦૦ રૂપિયાની ફી છે.
આ વોક-વે પરથી પસાર થતા સમયે અરબી સમુદ્રના ભવ્ય દૃશ્ય, પક્ષીઓને જોવા માટે ખાસ કાચના તળિયે જોઈ શકાય એવી વ્યવસ્થા પણ છે. એલિવેટેડ વોક-વે સવારના પાંચથી રાતના આઠ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે. પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા મુજબ ૩૦ માર્ચથી ૩૦ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં મલબાર હિલ નેચર ટ્રેલમાં કુલ ૨,૯૧,૮૩૬ મુલાકાતીઓ આવ્યા હતા. તેમાંથી પાલિકાને ૭૨,૯૮,૯૫૦ રૂપિયાની આવક થઈ હતી. ઉનાળાના વેકેશન કરતા જૂનમાં મુલાકાતીઓની સંખ્યા ઓછી હતી.
પાલિકાએ આપેલા આંકડા મુજબ જૂનમાં ૪૫,૫૧૫ પર્યટકોએ મુલાકાત લીધી હતી અને ૧૧,૪૯,૨૦૦ રૂપિયાની આવક થઈ હતી. જુલાઈ મહિનામાં ૫૩,૭૦૭ પર્યટકોએ મુલાકાત લીધી હતી અને ૧૩,૬૫,૭૦૦ રૂપિયાની આવક થઈ હતી અને ઑગસ્ટમાં ૪૮,૨૫૪ પર્યટકોએ મુલાકાત લીધી હતી અને ૧૧,૨૫,૦૨૫ રૂપિયાની આવક થઈ હતી. સપ્ટેમ્બર મહિનામાં ૩૪,૦૩૩ પર્યટકોના માદ્યમથી ૮,૬૩,૫૭૫ રૂપિયાની આવક થઈ હતી.



