બે વર્ષમાં એક લાખથી વધુ શ્ર્વાનનું વેક્સિનેશન,૨૦૩૦ સુધીમાં મુંબઈ રેબિસ મુક્ત થશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બે વર્ષમાં એક લાખથી વધુ શ્ર્વાનનું વેક્સિનેશન,૨૦૩૦ સુધીમાં મુંબઈ રેબિસ મુક્ત થશે

મુંબઈમાં ૧૬૩ આરોગ્ય સંસ્થામાં એન્ટી રેબિઝ વેક્સિનેશન સેન્ટર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રખડતા શ્ર્વાનની વસતીમાં સતત વધારો થઈ રહ્યો હોવાની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે. રસ્તા પરના રખડતા શ્ર્વાનોનો લોકોને બચકા ભરવાના બનાવ પણ વધી રહ્યા છે. શ્ર્વાનના કરડવાથી જીવલેણ રેબિઝ થઈ શકે છે. તેથી મુંબઈને ૨૦૩૦ની સાલ સુધીમાં રેબિઝમુક્ત કરવામાં ‘મુંબઈ રેબિઝ નિર્મૂલન ઝુંબેશ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાલિકાના આરોગ્ય ખાતાના આંકડા મુજબ ૨૦૨૩ની સાલથી અત્યાર સુધીમાં મુંબઈમાં એક લાખથી વધુ શ્ર્વાનને રેબિઝની વેક્સિન આપવામાં આવી છે.

મુંબઈને ૨૦૩૦ની સાલ સુધીમાં રેબિઝમુક્ત કરવામાં મુંબઈ મહાનગરપાલિકાએ ‘મુંબઈ રેબિઝ નિર્મૂલન ઝુંબેશ’ અભિયાન હાથ ધર્યું છે, જે હેઠળ જનજાગૃતિ ઝુંબેશ, આરોગ્ય શિક્ષણ અને વેક્સિનેશન ઝુંબેશ અમલમાં મૂકવામાં આવે છે. છેલ્લાં બે વર્ષમાં એક લાખથી વધુ શ્ર્વાનનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે, તે માટે જીપીએસ ટ્રૅકિંગ અને ડબલ્યુવીએસ ઍપ જેવાં ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાલિકાના વિસ્તારમાં વેક્સિનેશનની સુવિધા માટે ૧૬૩ મેડિકલ કોલેજ અને હૉસ્પિટલ, સામાન્ય હૉસ્પિટલ, પાલિકાના હેલ્થ સેન્ટર, આપલા દવાખાનામાં ઍન્ટી-રેબિઝ વેક્સિનેશન સેન્ટર સેવામાં છે. તેથી રેબિઝસંબંધી વેક્સિનેશનલ અને સારવારની સુવિધાનો લાભ લેવાની અપીલ પાલિકાએ નાગરિકોને કરી છે.

રેબિઝ બીમારી ઝૂનૉટિક બીમારીમાંથી એક હોઈ તે શ્ર્વાન મારફત થનારી બીમારી છે. રેબિઝ બીમારી પર પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરે તો તે બીમારી પૂર્ણ રીતે ૧૦૦ ટકા ટાળી શકાય છે. દર વર્ષે ૨૮ સપ્ટેમ્બરના ‘વર્લ્ડ રેબિઝ ડે’ તરીકે ઊજવવામાં આવે છે.

શ્ર્વાન કરડવાના એક લાખ બનાવ

મુંબઈમાં વર્ષ ૨૦૨૪ની સાલમાં શ્ર્વાન કરડવાની સંખ્યામાં વધારો જણાયો છે. આ સાલમાં કુલ એક લાખ નાગરિકોને શ્ર્વાન કરડ્યા હતા, જેમાં મુંબઈ બહારનાં દર્દીઓનો પણ સમાવેશ થાય છે. પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ મુજબ ‘એઆરવી’ વેક્સિન અને ઈમ્યુનોગ્લોબ્યુલિ પાલિકા પાસે ઉપલબ્ધ છે. તેમ જ રેબિઝ દર્દીઓ માટે ક્સ્તુરબા હૉસ્પિટલમાં સ્પેશિયલ રૂમ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button