સરકારી હૉસ્પિટલોમાં ડૉક્ટરોના ૨૦ હજારથી વધુ પદ ખાલી
મુંબઈ: રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં વિવિધ સ્તરે તબીબોની ૫૭,૭૧૪ મંજૂર જગ્યાઓમાંથી ૨૦,૦૦૦થી વધુ જગ્યાઓ ખાલી છે. સોગંદનામામાં પણ સરકારે જણાવ્યું હતું કે સુપર સ્પેશિયાલિટી કેડરમાં ૧,૭૦૭ મંજૂર પોસ્ટ્સમાંથી ૮૯૩ જગ્યાઓ ખાલી છે.
સરકારે એવો પણ દાવો કર્યો છે કે રાજ્ય સરકાર આ ખાલી જગ્યાઓ ભરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. રાજ્યના આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવા અંગે મુખ્ય પ્રધાન શિંદેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિભાગને વધારાની ફાળવણી અને પૂરક જોગવાઈઓ આપવાનો નિર્ણય લેવાયો છે.
સરકારે એ પણ માહિતી આપી છે કે વર્ષ ૨૦૨૩-૨૪ માટે દવાઓ અને મેડિકલ સાધનોની ખરીદી માટે ૮,૬૭૪.૮૫ કરોડ રૂપિયાનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે.
નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની સરકારી હૉસ્પિટલોમાં થયેલા મૃત્યુની નોંધ લેતા હાઈ કોર્ટે સરકારને સમગ્ર મામલાની પ્રાથમિક માહિતી, આરોગ્ય માટે બજેટની જોગવાઈઓ અને આ હૉસ્પિટલોમાં કેટલા નિષ્ણાત તબીબો કાર્યરત છે તેની પ્રાથમિક માહિતી આપવાનો આદેશ અપાયો હતો.
હાઈ કોર્ટમાં રાજ્ય સરકારનું સોગંદનામું
દર્દીના મૃત્યુની કમનસીબ ઘટના બાદ ડીએમઇઆરના ડાયરેક્ટર ડૉ. દિલીપ મ્હૈસેકર અને અન્ય કેટલાક વરિષ્ઠ ડૉકટરોની બનેલી નિષ્ણાત સમિતિએ નાંદેડની હૉસ્પિટલમાં મૃત્યુના કારણોનો અભ્યાસ કર્યો હતો અને સરકારે દાવો કર્યો હતો કે હૉસ્પિટલ તરફથી કોઈ બેદરકારી ન હતી. એફિડેવિટમાં જણાવ્યું હતું કે નાંદેડમાં ૩૦ સપ્ટેમ્બરથી ૪૮ કલાકની અંદર શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં અનેક શિશુઓ સહિત ૩૧ દર્દીઓના મોત થયા હતા.