આજે ગણપતિ વિસર્જન ૧૯,૦૦૦થી વધુ પોલીસ તહેનાત
સીસીટીવી કૅમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (ગુરુવારે) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોઇ આ માટે ૧૯,૦૦૦થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવશે.
મહાનગરમાં ગણેશ વિસર્જન શાંતિથી પાર પડે એ માટે આઠ એડિશનલ પોલીસ કમિશનર, ૪૫ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત ૨,૮૬૬ પોલીસ અધિકારીઓ અને ૧૬,૨૫૦ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફ (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ)ની ૩૫ કંપની, ક્વિક રિસ્પોન્સ ટીમ, આરએએફ (રેપિટ એક્શન ફોર્સ) અને હોમ ગાર્ડસની પણ મદદ લેવામાં આવી છે. વિસર્જન નિમિત્તે વાહનવ્યવહારનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસને પણ તહેનાત કરવામાં આવા છે.
મુંબઈમાં ગિરગામ ચોપાટી, દાદર, જુહુ, માર્વે, આક્સા સહિત ૭૩ જેટલા નૈસર્ગિક વિસર્જન સ્થળ ઉપરાંત ૧૬૨ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રત્યેક સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એ સિવાય મુખ્ય વિસર્જનના સ્થળોએ લાઉડ સ્પીકરની વ્યવસ્થા હશે અને ક્ધટ્રોલ રૂમ પણ ઊભા કરાયા છે. ગિરદીના સ્થળોએ મહિલાઓ-બાળકોની સુરક્ષા માટે સાદાવેશમાં પોલીસ અધિકારી-કર્મચારીઓ તહેનાત રહેશે.
દરમિયાન ઇદ-એ-મિલાદ માટે પણ આ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેની ઉજવણી શુક્રવારે કરવામાં આવશે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન હોવાને કારણે મુસ્લિમ સંસ્થાઓએ પોલીસની અપીલ પર ઇદ-એ-મિલાદનું સરઘસ ગુરુવારને બદલે શુક્રવારે કાઢવાનું નક્કી કર્યું છે.