આમચી મુંબઈ

નવા વર્ષથી પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલની વધુ ફેરી

મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી એસી લોકલ ટ્રેનની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાં નવા વર્ષથી પશ્ર્ચિમ રેલવેમાં વધુ લોકલ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થઈ શકે છે. હાલની એસી લોકલ કરતાં આ બે નવી ટ્રેનમાં વધારે પ્રવાસીઓને બેસવાની ક્ષમતા હશે અને આ ટ્રેનમાં ૨૪ ટકા સીટ મહિલાઓ માટે રાખવામાં આવવાની છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈમાં એસી લોકલ ટ્રેનોની લોકપ્રિયતામાં વધારો થતાં પ્રવાસીઓની ભીડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભીડને કારણે એસી ટ્રેનોની સંખ્યા અને સેવામાં વધારો કરવાની માગણી પ્રવસીઓ કરી રહ્યા છે. આ માગણીને ધ્યાનમાં લઈ પહેલી એસી લોકલને ફેબ્રુઆરીમાં અને બીજી એસી લોકલને માર્ચ સુધી સેવામાં સામેલ કરવામાં આવવાની માહિતી એક અધિકારીએ આપી હતી.

આ નવી ડિઝાઇનની લોકલને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવી છે. આ લોકલ ટ્રેનો સેવામાં સામેલ થયા બાદ તેને નિયમિત રીતે દોડાવવામાં આવશે. હાલની એસી લોકલમાં ૧,૦૨૮ પ્રવાસીઓ માટે સીટ રાખવામાં આવી છે, પણ આ નવી લોકલ ટ્રેનોમાં ૧,૧૧૮ જેટલી સીટ રાખવામાં આવી છે, જેથી સીટિંગ કેપેસિટીમાં વધારો થશે.

હાલમાં પશ્ચિમ રેલવેની સાત એસી ઈએમયુ લોકલ ટ્રેનને ૧૬ વખત દોડાવવામાં આવે છે, પણ હવે નવી ટ્રેન સામેલ થયા બાદ આ સંખ્યાને ૨૦ સુધી કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ નવી ટ્રેનોમાં કુલ ૧,૧૧૮ સીટમાંથી ૨૭૪ સીટ મહિલા પ્રવાસીઓ માટે આરક્ષિત રાખવામાં આવી છે, અને બાકીની ૯૮૨ સીટ બાકીના પ્રવાસીઓ માટે રાખવામાં આવશે. આ ટ્રેનના દરેક કોચ એકબીજાથી જોડાયેલા હશે, જેથી લોકો કોચની વચ્ચે પણ અવરજવર કરી શકશે.

હાલમાં પશ્ર્ચિમ રેલવેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન ૯૬ અને શનિવાર-રવિવારમાં ૫૩ એસી લોકલ દોડાવવામાં આવી રહી છે. ચાલુ વર્ષના એકથી ૨૬ ડિસેમ્બર દરમિયાનના સમયગાળામાં ૪,૭૨,૫૪૯ એસી લોકલની ટિકિટનું વેચાણ થયું હતું અને ૩૨,૩૧૫ પાસ વેચવામાં આવ્યા છે, જેથી આ સમયમાં ૨૪,૧૪,૯૯૮ પ્રવાસીઓએ એસી લોકલમાં પ્રવાસ કરી શકાય એવો અંદાજ રેલવે પ્રશાસન દ્વારા વ્યક્ત કરવામાંઆવ્યોહતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button