Maharashtra politics: મુખ્ય પ્રધાન વોર રુમના મહાસંચાલક રાધેશ્યામ મોપલવારનું રાજીનામું: રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર
મુંબઇ: આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યનું રાજકારણ પહેલાં જ ભડક્યું છે. દરમીયાન પૂર્વ સનદી અધિકારી રાધેશ્યામ મોપલવારે અચાનક મુખ્ય પ્રધાન વોર રુમના મહાસંચાલક પદેથી રાજીનામું આપતાં રાજકીય વર્તુળો અને પ્રશાસનમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે વ્યક્તીગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું મોપલવારે જણાવ્યું હતું. છતાં લોકસભાની ચૂંટણીમાં મોપલવાર પોતાનું નસીબ અજમાવશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.
મોપલવારને થોડાં દિવસો પહેલાં જ એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલકના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગુરુવારે મોપલવારે મુખ્ય પ્રધાન વોર રુમના મહાસંલાક પદેથી રાજીનામું આપ્યું છે. રાજ્યના મેટ્રો, સીલિંક, ફ્લાયઓવર, રસ્તા વગેરે પાયાભૂત સુવિધાઓને ગતી આપવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વોર રુમની સ્થાપના કરી હતી. આ વોર રુમના માધ્યમથી વિકાસના વિવિધ કામોની જાણકારી મેળવવામાં આવે છે.
મોપલવારે ગુરુવારે અચાનક આપેલું રાજીનામું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સ્વિકાર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોપલવારાના રાજીનામા બાદ ગુરુવારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નજીકના ગણાતાં એક મિત્ર સાથે તેમના સંબંધો બગડતા મોપલવાર છેલ્લાં કેટલાંય દિવસોથી નારાજ હતાં. આ નારાજગીને કારણે તેમણે રાજીનામુ આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. તો બીજી બાજુ મોપલવાર પરભણી અથવા હિંગોલી લોકસભા મતદારસંઘમાંથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યાં હોવાની ચર્ચાઓ પણ થઇ રહી છે.