મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય
૧૭ સપ્ટેમ્બરે મુંબઈમાં યલો, પાલઘર-થાણેમાં ઑરેન્જ ઍલર્ટ
મેઘા રે મેઘા…: -એક-સવા મહિના સુધી પોરો ખાધા બાદ વરસાદ ફરી સક્રિય થયો છે. કાળા વાદળો ફરી ઘેરાયાં છે ત્યારે મરીન ડ્રાઇવ ખાતેનું આ નયનરમ્ય ચિત્ર ફોટોગ્રાફરે કચકડે કંડાર્યું હતું. (અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગયા અઠવાડિયામાં બે દિવસ સારો એવો વરસાદ પડી ગયા બાદ મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થયું છે. ગુરુવાર સવારથી મુંબઈ, થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું જોર રહ્યું હતું. ભારતીય હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘરમાં શનિવાર માટે યલો ઍલર્ટ આપી ભારે વરસાદની આગાહી કરી છે. તો થાણે અને પાલઘર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર માટે ઑરેન્જ ઍલર્ટ આપી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. તો મુંબઈ માટે તે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સપ્ટેમ્બરના પહેલા બે અઠવાડિયામાં બે દિવસ સારો એવો વરસાદ પડ્યા બાદ બાકીના દિવસો લગભગ કોરા ગયા છે. વરસાદની ગેરહાજરીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું હતું. જોકે બુધવાર રાતથી ફરી એક વખત મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં છૂટકછવાયો વરસાદ પડવાનું ચાલુ થયું હતું. ગુરુવારના બીજા દિવસે પણ મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલીમાં વરસાદ ચાલુ જ રહ્યો હતો. તો રાજ્યના પણ અનેક જિલ્લામાં દિવસભર વીજળીના ગડગડાત સાથે વરસાદ પડ્યો હતો.
હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળના ઉત્તર-પશ્ર્ચિમ અને ઉત્તર ઓડિશા-પશ્ર્ચિમ બંગાળ પર લો પ્રેશર સર્જાયું છે, તેને કારણે રવિવાર સુધી મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન ખાતાના અધિકારીના કહેવા મુજબ આગામી બે દિવસમાં આ સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢમાં આગળ વધે એવી શક્યતા છે. વર્તમાન મોડેલ સૂચવે છે કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં શહેરમાં જે ભીના હળવા ઝાપટાં જોવા મળ્યા હતા, તેનાથી વિપરીત આ વખતે વરસાદ વધુ તીવ્ર બનાવાની સંભાવના છે. સિસ્ટમ જેમ નજીક આવશે તેમ હવામાનની ઍલર્ટ પણ બદલાઈ શકે છે.
આ દરમિયાન સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં ૬.૩૧ મિ.મિ., પૂર્વ ઉપનગરમાં ૧૮.૮૭ મિ.મિ. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૮.૭૪ મિ.મિ. જેટલો વરસાદ નોંધાયો હતો.
હળવા વરસાદના ઝાપટાં વચ્ચે પણ મુંબઈગરા માટે આનંદના સમાચાર છે કે મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૯૭ ટકા થઈ ગયો છે. જો આગામી બે-ત્રણ દિવસ વરસાદનું જોર ચાલુ રહ્યું તો બહુ જલદી જળાશયોમાં પાણીનો જથ્થો ૧૦૦ ટકા પર પહોંચી જશે અને મુંબઈના માથા પર આખું વર્ષ પાણીકાપનું સંકટ પણ દૂર થઈ શકે છે.