આમચી મુંબઈમહારાષ્ટ્ર

માનવામાં આવે ખરું? : મુંબઈમાં ફક્ત ૨૦૮ ખાડા

પાલિકાનો આવો દાવો: બાકીના પુરાઈ ગયા હોવાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં હાલ રસ્તાઓ પર મોટી સંખ્યામાં ખાડાઓ દેખાઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના દાવા મુજબ મોટાભાગના ખાડાઓને પૂરીને રસ્તા સમથળ કરી દેવામાં આવ્યા છે અને હવે ફક્ત ૨૦૮ ખાડાઓને જ પૂરવાના બાકી છે. વરસાદે વિરામ લીધો હોઈ એન્જિનિયરો ૨૪ કલાકની અંદર રસ્તા પર રહેલા ખરાબ પેચનું સમારકામ કરીને રસ્તા સમથળ બનાવી રહ્યા છે, તે માટે ૩૫ મેસ્ટિક કૂકર તૈયાર કરીને ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વધુ નવ સબ-એન્જિનિયરને બેદરકારી બદલ કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવવાની સાથે તેમની કુલ સંખ્યા ૨૨ થઈ ગઈ છે, તો કૉન્ટ્રેક્ટરની સંખ્યા ૧૩ થઈ ગઈ છે.

જુલાઈ મહિનામાં પડેલા મુશળધાર વરસાદને પગલે બે અઠવાડિયાની અંદર જ ખાડાઓની સંખ્યા બમણી થઈ છે. પાલિકાના રેકોર્ડ મુજબ પહેલી જૂનથી પહેલી ઑગસ્ટ સુધીમાં આખા મુંબઈમાં કુલ ૧૨,૭૬૧ ખાડાઓને શોધી કાઢવામાં આવ્યા હતા. આ ખાડાઓને મેસ્ટિક કૂકરનો ઉપયોગ કરીને ભરવામાં આવી રહ્યા છે, જેનું જીપીએસ સિસ્ટમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પાલિકાએ પોતાની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે મેસ્ટિક કૂકરની સંખ્યા ૨૫થી વધારીને ૩૫ કરી નાખી છે. દરેક મેસ્ટિક કૂકર, ૧૨ મેટ્રિક ટનની ક્ષમતા સાથે ૧૬૦થી ૧૮૦ ચોરસ મીટરના ખાડાઓને આવરી શકે છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ વરસાદે હાલ વિરામ લીધો છે, તેથી ખાડાઓ પૂરવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. અઠવાડિયામાં ટ્રાફિકને અવરોધ આવે નહીં તે માટે રાતના સમયમાં ખાડાઓને પૂરવામાં આવી રહ્યા છે. સપ્તાહના અંતમાં હળવા ટ્રાફિક સાથે કામ કરવામાં આવી રહ્યું છે. ૨૪ કલાકની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગયેલા સબ-એન્જિનિયરોને વિલંબ બદલ કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી રહી છે.

નોંધનીય છે કે સમગ્ર મુંબઈમાં ૨,૦૫૦ કિલોમીટરમાં રસ્તાઓનું નેટવર્ક ફેલાયેલું છે, જેમાં ૨૦૨૨ની સાલ સુધીમાં ૧,૦૦૦ કિલોમીટરના રસ્તા સિમેન્ટ-કૉંક્રીટના બનાવી દેવામાં આવ્યા છે. પાલિકાએ ગયા વર્ષે પહેલા તબક્કામાં ૩૯૭ કિલોમીટરના રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશનનું કામ હાથમાં લીધું હતું, જેમાંથી અત્યાર સુધી માત્ર ૩૦ ટકા કામ જ પૂરું થયું છે. બીજા તબક્કામાં ૩૧૨ કિલોમીટરના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝન કરવામાં આવવાનું છે, જેનું કામ હજી શરૂ થયું નથી. ચાલુ વર્ષ માટે પાલિકાએ ખાડાઓના સમારકામ માટે ૨૭૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી