મુશ્કેલી ઊભી કરનારા વાંદરાઓને માનવ રહેઠાણથી 10 કિમી દૂર છોડી દેવા: રાજ્ય સરકારનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં વાંદરાઓ દ્વારા માનવ વસ્તીમાં કરવામાં આવતા નુકસાનને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારના વન વિભાગે પહેલીવાર એવો સ્પષ્ટ નિયમ બનાવ્યો છે કે શહેરો અને ગામડાઓમાં મુશ્કેલી ઊભી કરવા બદલ પકડાયેલા વાંદરાઓને માનવ રહેઠાણથી ઓછામાં ઓછા 10 કિમી દૂર છોડી દેવા જોઈએ જેથી તેઓ ફરી સરળતાથી આ સ્થળોએ પાછા ન ફરે.
મકાક અને લંગુર જાતીના વાંદરા ઘરોમાં ઘૂસીને મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં તો તેઓ લોકો પર હુમલો કરે છે અને લોકો જખમી થઈ રહ્યા છે તેવી વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, મંગળવારે આ સમસ્યાના નિરાકરણ માટે એક નવો સરકારી ઠરાવ (જીઆર) જારી કરવામાં આવ્યો હતો.
આપણ વાચો: ઈકબાલગઢ વન વિભાગે દસ શિકારીને હથિયાર સાથે પકડી પાડ્યા
આ જીઆરમાં કહેવામાં આવ્યું છે કે માનવ-વાંદરાઓ વચ્ચેના સંઘર્ષના કોઈપણ અહેવાલમાં, સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થા અથવા ગ્રામ પંચાયતે ફરિયાદ નોંધવી જોઈએ અને સંબંધિત વન રેન્જ અધિકારીને બોલાવવા જોઈએ.
પ્રાણીઓની સંખ્યા અને થયેલા નુકસાનની ચકાસણી કર્યા પછી, એક પ્રશિક્ષિત બચાવ ટીમને વાંદરાઓને પકડવાની મંજૂરી આપવામાં આવશે. એકવાર પકડાયા પછી, વાંદરાઓની મૂળભૂત તબીબી તપાસ કરવામાં આવશે.
આપણ વાચો: અમરેલીમાં સિંહબાળ ટ્રેનની અડફેટે: વડીયા નજીક દુર્ઘટના, વન વિભાગે સારવાર શરૂ કરી
પારદર્શિતા જાળવવા માટે તેમના ફોટોગ્રાફ્સ અને ટૂંકા વિડીયો રેકોર્ડ કરવા આવશ્યક છે. આ પછી જ, તેમને માનવ વસાહતોથી દૂર યોગ્ય જંગલ વિસ્તારમાં લઈ જઈ શકાય છે અને છોડી શકાય છે – જીઆરમાં આને માટે ઓછામાં ઓછું 10 કિલોમીટરનું અંતર નક્કી કર્યું છે.
સરકારે પ્રક્રિયાની નાણાકીય બાજુ પણ નક્કી કરી છે. બચાવ ટીમોને એક સમયે 10 પકડવા માટે પ્રતિ પ્રાણી 600 રૂપિયા અને તે સંખ્યાથી વધુ પ્રાણી 300 રૂપિયા મળશે, જેમાં દરેક ઘટના માટે કુલ મર્યાદા 10,000 રૂપિયા હશે.
પાંચ વાંદરાઓ સુધીના નાના ઓપરેશન માટે મુસાફરી ભથ્થું 1,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વન અધિકારી દ્વારા ચકાસણી કર્યા પછી ડીબીટી દ્વારા ચુકવણી કરવામાં આવશે.



