સીએસટી-મહાલક્ષ્મીની સોસાયટીમાં વાનરનો આતંક, બે જણને પહોંચાડી ઈજા
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે રેલવેના એક કર્મચારી અને શહેરના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીના એક બાળકને આજે વાંદરાઓએ કરેલા હુમલામાં ઈજા થઈ હતી.
વન્યજીવ બચાવકર્તાઓએ વાનરોને પકડવાના પ્રયાસો કર્યા હતા. બંને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની જાણકારી વન અધિકારીએ આપી હતી.
માનવ-વન્યજીવ સંઘર્ષની જાણકારી મળતા વન કર્મચારીઓ અને રેસ્કિંક એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલ્ફેરની બચાવ ટીમના સભ્યોએ આ બંને વિસ્તારોની મુલાકાત લીધી હતી. વાનરોને સપડાવવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવી અધિકારીએ ઉમેર્યું હતું કે પ્રાણીઓને પકડી લીધા પછી તેમની તબીબી તપાસ કરી તેમના વિસ્તારમાં પહોંચાડી દેવામાં આવશે.
આ પણ વાંચો : CSMT To High Court સુધીનો વિસ્તાર ફેરિયામુક્ત થાય એના માટે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?
વાનરોને ખવરાવવું નહીં એવી સલાહ આપી વન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમનો પીછો ન કરવો તેમજ તેમને ઉશ્કેરવા કે ખીજવવા નહીં. આવા વિસ્તારોમાં નાના બાળકો અને સિનિયર સિટીઝનોએ એકલા જવું નહીં.
(પીટીઆઈ)