મની લોન્ડરિંગ કેસ: એનસીપીના રોહિત પવાર ઈડી સમક્ષ હાજર
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બૅન્કના કથિત સ્વરૂપના કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ સંદર્ભે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારનો પુત્ર રોહિત પવાર (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્ય) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા એવી જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી. ઈડીના કાર્યાલયના પ્રવેશદ્વાર સુધી એનસીપીના સંસદ સભ્ય અને પક્ષના અન્ય નેતાગણ ૩૮ વર્ષના રોહિત પવાર સાથે આવ્યા હતા.
દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડીના કાર્યાલયમાં રોહિત પવાર સવારે સાડા દસે પહોંચી ગયા હતા. ઈડીના કાર્યાલયમાં જવા પૂર્વે રોહિત પવાર નજીક આવેલા એનસીપીના કાર્યાલયમાં જઈ શરદ પવારના આશીર્વાદ લીધા હતા અને પક્ષના અન્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી. વિધાન ભવનની મુલાકાત લઈ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તેમજ ભારતીય બંધારણની તકતીને તેમણે વંદન કર્યા હતા. (પીટીઆઈ)