આમચી મુંબઈ

મોદી ‘બમ્પર બહુમતી’ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતશે: ફડણવીસ

મુંબઈ: દિવાળીના અવસર પર અહીં તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે દેશના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મ આપવાનું નક્કી કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાએ એવી અટકળોને પણ નકારી કાઢી હતી કે તેઓ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી લડી શકે છે અને કહ્યું હતું કે તેઓ નાગપુરથી આવતા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડશે. તેઓ હાલમાં નાગપુર દક્ષિણ-પશ્ર્ચિમ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. આગામી દસ વર્ષમાં તેઓ પોતાને ક્યાં જુએ છે તે પ્રશ્ર્નના જવાબમાં, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસે
કહ્યું કે તેઓ ભાજપ સાથે રહેશે અને પક્ષ તેમને જે પણ જવાબદારી સોંપશે તે નિભાવશે. મરાઠા ક્વોટા અને કાર્યકર્તા મનોજ જરાંગેના રાજ્યવ્યાપી પ્રવાસના મુદ્દે, ફડણવીસે કહ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવાની છે.

કેબિનેટ વિસ્તરણ વિશે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું કે, અમે નાગપુરમાં આવતા મહિનાના શિયાળુ સત્ર પહેલા કેબિનેટ વિસ્તરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્ધારિત ઉદ્ઘાટન વિશે વાત કરતા, તેમણે કહ્યું કે લોકો તેના વિશે ઉત્સાહિત છે અને ઘણા લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવા માગે છે. ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યામાં મહારાષ્ટ્ર ભવન માટે જમીન ફાળવવા સંમત થઈ છે. મુંબઈમાં ભયજનક પ્રદૂષણના સ્તરના મુદ્દા પર, ફડણવીસે જણાવ્યું હતું કે બાંધકામ પ્રવૃત્તિ ઉપરાંત, પરિવહન અને પ્રક્રિયા વગર ગટર અથવા ઔદ્યોગિક કચરો છોડવાનું પ્રદૂષણમાં મુખ્ય ફાળો આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર પ્રદૂષણને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button