પ્રોજેકટો ગુજરાત લઈ જવા માટે મોદી તત્પર : શરદ પવાર
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટનને લઈને હવે એનસીપીના વડા શરદ પવારે રાયગઢમાં એક સભાને સંબોધતી વખતે વડા પ્રધાનને લક્ષ્ય બનાવ્યા હતા. પવારે કહ્યું કે જે લોકો આજે સત્તામાં છે તેમનામાં દેશ વિશે વિચારવાની શક્તિ નથી.
શરદ પવારે મોદી પર ટીકા કરતાં કહ્યું કે વડા પ્રધાન સુરતમાં હીરા વેપારનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. પહેલા આ કામ મુંબઈના બીકેસીમાં થતું હતું, જેનાથી લાખો લોકોને રોજગાર મળતો હતો. પણ હવે તેને ગુજરાત લઈ જવામાં આવ્યો છે, જેથી મહારાષ્ટ્રના સ્થાનિક લોકોનું કામ છીનવાઇ જતાં તેઓ બેરોજગાર બની ગયા છે.
પવારે આગળ કહ્યું કે જેમના હાથમાં આજે સત્તા છે, તેઓ દેશની ચિંતા કરવાને બદલે સુરત જઈ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. હું જ્યારે રાજ્યનો મુખ્ય પ્રધાન હતો ત્યારે મે બીકેસીમાં હીરા વેપાર વિકસાવવાનો નિર્ણય લીધો હતો.
મે હીરા વેપાર માટે એક રૂપિયા જમીન આપી હતી, જેથી અહીંના લોકોને કામ મળે. આજે દેશના વડા પ્રધાનને મહારાષ્ટ્રની કોઈ ચિંતા નથી. તેઓ માત્ર મહારાષ્ટ્રના પ્રોજેક્ટસને કઈ રીતે ગુજરાત લઈ જવા એવા વિચાર કરે છે. આજે જે વ્યક્તિને દેશની ચિંતા નથી તેના હાથમાં દેશની સત્તા છે.
ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લઈને ઠાકરે જૂથના સંજય રાઉતે પણ મોદીની ટીકા કરી હતી. રાઉતે કહ્યું દેશનું નહીં પણ ફક્ત એક રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. પૂરા દેશમાંથી રોજગાર છીનવીને એક રાજ્યમાં લઈ જવામાં આવી રહ્યા છે. રાઉતે મોદીને સવાલ કરતાં કહ્યું કે શું દેશમાં ગુજરાત સિવાય કોઈ બીજાં રાજ્યો નથી?
રવિવારે સુરતના દુનિયાનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા આ ડાયમંડ બુર્સ ૬૮ લાખ કરતાં વધુ ચોરસ ફૂટ પર ફેલાયેલુ છે.