આમચી મુંબઈટોપ ન્યૂઝ

ઔરંગઝેબ મકબરા પર ટોળું ત્રાટકી શકે છે! શાંતિ ડહોળાવાનો ડર, પોલીસ એલર્ટ પર…

સંભાજીનગર: સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કર્યા બાદ વિવાદનો મધપુડો છંછેડાયો (Abu Azmi Aurangzeb Controversy) હતો. અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. સમય જતાં આ વિવાદ શાંત થવાને બદલે વધુ વકરી રહ્યો છે, અહેવાલ મુજબ ઔરંગઝેબના મકબરા (Aurangzeb Makabara) પર ટોળાનો હુમલો થઇ શકે છે.

Also read: સીએમ દેવેન્દ્ર ફડણવીસ આ ઉદ્યોગતિને બંધબારણે શા માટે મળ્યા?

મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબના મકબરા પર હુમલો થવાની ભીતિ છે. જેના કારણે તંત્ર એલર્ટ પર છે. મકબરાની બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

મકબરો તોડી પાડવાની ધમકી:
છેલ્લા ઘણા સમયથી કેટલાક જમણેરી સંગઠનોએ ઔરંગઝેબના મકબરાને તોડી પાડવાની ધમકી આપી છે. કેટલાક આગેવાનોએ નિવેદનો આપ્યા હતાં કે ઔરંગઝેબના મકબરાને તોડી પાડવી જોઈએ, મહારાષ્ટ્રની ધરતી પર તેના માટે કોઈ સ્થાન ન હોઈ શકે.

પોલીસને ડર છે કે ઔરંગઝેબના મકબરાને તોડી પાડવાના પ્રયાસો થઇ શકે છે, આવી સ્થિતિમાં શાંતિ ડહોળાઈ શકે છે. કાયદો અને વ્યવસ્થાને ગંભીર જોખમ ઉભું થઇ શકે છે, પોલીસતંત્ર આ અંગે સતર્ક થઇ ગયું છે. જો ટોળું કબર સુધી પહોંચે તો, પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

પોલીસ તંત્ર એલર્ટ પર:
અહેવાલ મુજબ, આગામી આદેશ સુધી મકબરામાં સીધા પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઔરંગઝેબનો મકબરો છત્રપતિ સંભાજીનગર શહેરથી લગભગ 30 કિમી દૂર ખુલદાબાદમાં સ્થિત છે.

હાલમાં, મકબરા તરફ જતાં રસ્તાઓ પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી, પરંતુ મકબરાની બહાર રિઝર્વ્ડ પોલીસ ફોર્સનાં જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈને પણ મકબરામાં સીધો પ્રવેશ ન આપે. સંપૂર્ણ તપાસ કર્યા પછી જ લોકોને અંદર જવા દેવામાં આવશે.

દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન:
હકીકતમાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તાજેતરમાં કહ્યું હતું, “અમે પણ ઔરંગઝેબની કબર તોડી પાડવાના પક્ષમાં છીએ. પરંતુ કોંગ્રેસને કારણે એ થઇ શકે એમ નથી. કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન આ મકબરાને ASI ને સોંપી દીધો હતો. આવી સ્થિતિમાં, તે એક સંરક્ષિત સ્થળ બની ગયું છે અને તેને તોડી પાડવો સરળ નથી.”

દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ જમણેરી સંગઠનોના ઈરાદા વધુ મજબુત થયા, અહેવાલ મુજબ કેટલક સંગઠનો મકબરાને ગેરકાયદે રીતે તોડી પાડવા આયોજન કરી રહ્યા છે.

Also read: મહારાષ્ટ્ર વિધાન પરિષદ પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર…

વિપક્ષનું નિવેદન:
વિપક્ષના જણાવ્યા મુજબ કે મહાયુતિ સરકાર ફક્ત રાજકારણ કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે લોકો ઔરંગઝેબના નામે વાસ્તવિક મુદ્દાઓ ભૂલી જાય. કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે સમાધિ તોડી પાડવાની માંગને અતિવાદી વિચાર ગણાવ્યો. તેમણે કહ્યું કે જે લોકો આવી માંગણીઓ કરી રહ્યા છે તેઓ ખોટા છે. જો મકબરો તૂટી જશે તો પણ ઇતિહાસ નહીં બદલાઈ. સરકારે મકબરાનું રક્ષણ કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button