
મુંબઇ : મહારાષ્ટ્રમાં હિન્દી મરાઠી ભાષા વિવાદ વકર્યો છે. જેમાં રાજ્યમાં મરાઠી ન બોલવા બદલ લોકોને માર મારવામાં આવ્યાના બનાવો નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મંગળવારે સમગ્ર મરાઠી સમુદાય સાથે એક મોટી કૂચનું આયોજન કર્યું છે. આ પૂર્વે આજે સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકરોને થાણેના મીરા રોડ પર પોલીસે અટકાયતમાં લીધા હતા. આ કૂચ એ થપ્પડના વિવાદ સાથે સંબંધિત હતી. જેમાં એમએનએસ કાર્યકરોએ મરાઠી ન બોલવા બદલ એક રાજસ્થાની દુકાનદારને થપ્પડ મારી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે 5 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
પોલીસ કૂચ ન કાઢવા અપીલ કરી
પોલીસે સંયમિત વલણ અપનાવ્યું હતું અને મીરા-ભાયંદરમાં યોજાનાર કૂચ ન કાઢવા અપીલ કરી છે. પોલીસ નાયબ કમિશનર પ્રકાશ ગાયકવાડે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શહેરમાં હિન્દી અને મરાઠી ભાષી સમુદાયો વચ્ચેનો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. તેથી હવે કૂચ કાઢવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે શહેરમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે માટે પોલીસે મોરચાના બેનરો દૂર કર્યા છે. ગાયકવાડે કહ્યું કે નાગરિકોએ સામાજિક એકતા જાળવી રાખવી જોઈએ.
પોલીસે દુકાનદાર સાથે મારપીટ બાદ મનસેના કાર્યકરો પર કાર્યવાહી કરી
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં હિન્દી મરાઠી ભાષા વિવાદ વચ્ચે મીરા રોડમાં મરાઠી ન બોલવા બદલ દુકાનદારની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના બાદ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સાત કાર્યકરો વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું અને તમામ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આપણ વાંચો: આ મુંબઈના મેટ્રો સ્ટેશનની હાલત છે, નહીં કે કોઈ ગણેશ પંડાલની ભીડ, જાણો શું કહ્યું પ્રશાસને?
પોલીસે સાત અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
મીરા રોડમાં જોધપુર સ્વીટ્સના માલિક બાબુલાલ ચૌધરી (48)ની 29 જૂને હિન્દીમાં વાતચીત કરવા બદલ મનસેના કાર્યકરો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. ચૌધરીની ફરિયાદ બાદ કાશીમીરા પોલીસે સાત અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તમામને બાદમાં ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમને નોટિસ પાઠવાઇ હતી.