મરાઠી ન બોલવા બદલ મારપીટ:પોલીસે તાબામાં લીધેલા મનસેના સાત કાર્યકર્તાને નોટિસ આપીને જવા દેવાયા…

મુંબઈ: મરાઠી ન બોલવા બદલ ફૂટસ્ટોલના માલિકની મારપીટ કરવા પ્રકરણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના સાત કાર્યકરને પોલીસે તાબામાં લીધા હતા. પોલીસે આરોપીઓને નોટિસ આપ્યા બાદ જવા દેવામાં આવ્યા હતા. ભાયંદરમાં મંગળવારે આ ઘટના બની હતી અને મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં કેટલાક શખસો મનસેનું પ્રતીક ધરાવતું સ્કાર્ફ પહેરેલા નજરે પડ્યા હતા.
ફૂડ ઓર્ડર કરતી વખતે આમાંના એક જણે સ્ટોલના માલિકને મરાઠીમાં બોલવાનું કહ્યું હતું. જોકે તેણે તેમને સામેથી પ્રશ્ન કર્યો હતો. જ્યારે એક શખસ સ્ટોલમાલિકને ખીજાઇ રહ્યો હતો ત્યારે તેની સાથેના અનુયાયીઓએ તેને લાફા માર્યા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. કાશીમીરા પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા હેઠળ દંગલ, ધમકી અને મારપીટ કરવાના આરોપસર મનસેના સાત કાર્યકર સામે ગુનો દાખલ કર્યો હતો.
દરમિયાન આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે તેમને નોટિસ આપી હતી અને ત્યાર બાદ તેમને જવા દેવામાં આવ્યા હતા, એમ કાશીમીરા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કિરણ કદમે જણાવ્યું હતું. પોલીસ આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ‘ચેપ્ટર પ્રોસિડિંગ્સ’ (પ્રતિબંધાત્મક કાર્યવાહી)ની તૈયારી કરી રહી છે. સારા વર્તન અંગે પોલીસ તેમની પાસે બોન્ડ પર હસ્તાક્ષર કરાવશે. (પીટીઆઇ)
આ પણ વાંચો : મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ