ખબરદાર મુંબઈને બોમ્બે કહ્યું છે તો…કપિલ શર્માને આ ધમકી કોણે આપી? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

ખબરદાર મુંબઈને બોમ્બે કહ્યું છે તો…કપિલ શર્માને આ ધમકી કોણે આપી?

કૉમેડિયન કપિલ શર્માનો શૉ હવે ઓટીટી પર આવે છે અને હજુપણ એટલો જ પોપ્યુલર છે. તેના શૉમાં અલગ અલગ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવે છે અને તેની સાથે કપિલ મસ્તીમજાક કરે છે. આ શૉનો એક બહુ મોટો ચાહકવર્ગ છે, પણ હાલમાં આ શૉ અન્ય કારણે ચર્ચામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચિત્રપટ સેનાના અધ્યક્ષ અમેય ખોપકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો કપિલ શર્મા શૉના એક એપિસોડનો છે, અમેય ખોપકરે વીડિયો સાથે કેપ્શન શેર કરતા લખ્યું છે કે બોમ્બેને સત્તાવાર રીતે મુંબઈ થયાને 30 વર્ષ થયા છે. 1995માં રાજ્ય સરકાર અને 1996માં કેન્દ્ર સરકારે શહેરને મુંબઈ ઘોષિત કર્યું છે છતાં પણ કપિલ શર્મા શૉમાં આવતા મહેમાનો, રાજ્યસભાના સભ્ય બોમ્બે નામનો ઉપયોગ કરે છે. બેગલુરુ, ચેન્નઈ પહેલા બોમ્બે મુંબઈ થયું છે, આથી માન રાખી મુંબઈ શબ્દનો જ ઉપયોગ કરવામાં આવે, આ માત્ર એક ચેતાવણી છે.

અમેયે એમ પણ કહ્યું છે કે જો આમ નહીં થાય અને ફરી બોમ્બે નામનો ઉપયોગ કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે.

અમેયે જે વીડિયો શેર કર્યો છે તેમાં અભિનેત્રી હુમા કુરેશી તેનાં ભાઈ સાથે આવી છે અને તે વાતવાતમાં મુંબઈનો ઉલ્લેખ બોમ્બે તરીકે કરે છે. જોકે અમેયની આ પોસ્ટ બાદ ઘણાએ તેની ટીકા પણ કરી છે. તાજેતરમાં જ મરાઠી ભાષા મામલે મનસેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તોફાન મચાવ્યું હતું ત્યારે હવે ફરી તેણે કપિલ શર્મા શૉ દ્વારા નોન-મરાઠી લોકોને ટાર્ગેટ કર્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button