મનસેમાં ફૂટ: મોટા પદાધિકારીઓ અને અનેક કાર્યકર્તાઓ શિંદે જૂથની શિવસેનામાં સામેલ
ડોંબિવલી: મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા ભૂંકપ આવતા હોય છે. છેલ્લાં ઘણાં સમયથી રાજ્યના રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ થઇ છે. એ ઉથલ-પાથલ એવી હતી કે આખી ને આખી સત્તા બદલાઇ ગઇ. જોકે હવે મહારાષ્ટ્રના રાજકારણમાંથી વધુ એક ઉથલ-પાથલના સમાચાર આવી રહ્યાં છે. મનસેના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં શિવસેના શિંદે જૂથનાં પ્રવેશ કર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
કલ્યાણ ગ્રામીણમાંથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકર્તા અને પદાધિકારીઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાનો ઝંડો હાથમાં લીધો છે. સાંસદ શ્રીકાંત શિંદેની ઉપસ્થિતિમાં રવિવારે આ કાર્યકર્તા અને પદાધિકારીઓએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
મનસેની સ્થાપનાથી કાર્યરત એડવોકેટ સુહાસ તેલંગ, ઓમ લોકે, શીતલ લોકે, ચંદ્રાકાંત સાવંત આ પ્રમુખ પદાધિકારીઓ સહિત ઉપશહેર અધ્યક્ષ, મહિલા શાખા અધ્યક્ષ, ઉપશાખા અધ્યક્ષ અને અન્ય મનસેના કાર્યકર્તાઓએ શિવસેનાનો હાથ પકડ્યો છે.
કલ્યાણ લોકસભા મતદારસંઘમાં શિવસેના (શિંદેજૂથ) દ્વારા કરવામાં આવેલ કામોનો ધડાકો જોઇને અન્ય પક્ષના કાર્યકર્તા અને પદાધિકારીઓ પ્રભાવિત થયા છે અને તેથી તે લોકો અમારા પક્ષમાં સામેલ થઇ રહ્યાં છે. આગળ પણ આ પક્ષ પ્રવેશનો સિલિસલો ચાલુ રહેશે. એમાં કોઇ શંકાને સ્થાન નથી એમ સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું હતું.
થોડા દિવસો પહેલાં જ મનસે અને શિવસેના વચ્ચે વિકાસના કામોને લઇને એક્સ વોર જામ્યો હતો. મનસેના વિધાન સભ્ય રાજૂ પાટીલ અને શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદે વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ જામ્યું હતું. એમાં પણ કલ્યણા ગ્રામીણ મતદારસંઘમાં મનસેને મોટો ઘક્કો આપી શ્રીકાંત શિંદે બદલો લઇ રહ્યાં હોવાનું કહેવાઇ રહ્યું છે.