આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાયુતિમાં મનસેનું આગમન: એડવાન્ટેજ એકનાથ શિંદે

મનસેનો ટેકો ભાજપને છે, પરંતુ ફાયદો એકનાથ શિંદેની શિવસેનાને થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની ધમાલ વચ્ચે મનસેએ મહાયુતિને બિનશરતી ટેકો જાહેર કરી દેતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગણિત બદલાઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ નરેન્દ્ર મોદીને એટલે કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં બિનશરતી ટેકો જાહેર કર્યો છે અને વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. રાજ્યના રાજકીય વિશ્ર્લેષકોને મતે આવું થશે તો સૌથી વધુ ફાયદો એકનાથ શિંદેને થશે.


રાજ ઠાકરે દ્વારા લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આ જાહેરાતને પગલે હવે મહારાષ્ટ્રમાં રાજકીય સમીક્ષકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. મોટા ભાગના સમીક્ષકોનું માનવું છે કે રાજ ઠાકરેનો મહાયુતિમાં સમાવેશ એકનાથ શિંદે માટે લાભદાયક પૂરવાર થઈ શકે છે.


એક રાજકીય સમીક્ષકે મુંબઈ સમાચારને કહ્યું હતું કે ભાજપના મતદારોમાં એક મોટો વર્ગ બિનમરાઠી મતદારોનો છે, જેમાં ગુજરાતીઓ અને ઉત્તરભારતીયોનો સમાવેશ થાય છે. રાજ ઠાકરેની મનસેને આ મતદારો ધિક્કારે છે અને આ મતદારો ક્યારેય રાજ ઠાકરેની પાર્ટીને મતદાન કરશે નહીં.


લોકસભામાં તો રાજ ઠાકરેની પાર્ટીએ કોઈ ઉમેદવાર આપ્યા નથી એટલે તેમના ટેકેદારો ત્રણ પાર્ટીની મહાયુતિમાં અત્યારે સ્વાભાવિક રીતે જ એકનાથ શિંદેની શિવસેનાને અને ભાજપને મતદાન કરશે. અજિત પવારની પાર્ટી જે બેઠક પર લડી રહી છે, ત્યાં તેમને રાજ ઠાકરેની પાર્ટીના સમર્થનનો ખાસ કોઈ ફાયદો થવાનો નથી. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેની કલ્યાણ બેઠક સહિત શિવસેનાને ફાળે આવેલી અનેક બેઠકો પર રાજ ઠાકરેના સમર્થનનો ખાસ્સો લાભ મળવાની શક્યતા જોવાઈ રહી છે.


આટલું જ નહીં, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જ્યારે મહાયુતિના ઘટક પક્ષ તરીકે એકનાથ શિંદેની સેના અને રાજ ઠાકરેની સેના જંગમાં હશે ત્યારે બિનમરાઠી મતદારો જાણી જોઈને એકનાથ શિંદેની સેનાને મતદાન કરશે, રાજ ઠાકરને કરશે નહીં.


ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સેનાથી આમેય બિનમરાઠી મતદારો નારાજ છે અને તેમને મતદાન કરતા નથી, બીજી તરફ એકનાથ શિંદેની સેના સાથે ગુજરાતીઓને કે પછી ઉત્તર ભારતીયોને ખાસ કોઈ વાંધો નથી. તેમના કાર્યકર્તાઓમાં બધી જ ભાષા બોલનારા લોકોનો સરખા પ્રમાણમાં સમાવેશ થાય છે અને તેથી જ થાણે-કલ્યાણ જેવી પંચરંગી પ્રજા ધરાવતી બેઠકો પર તેમનું વર્ચસ્વ જોવા મળે છે. આગામી દિવસોમાં તેમના આ જ સ્વભાવનો ફાયદો શિવસેનાને મળશે, એમ વિશ્ર્લેષકો માની રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button